ફિલ્મમાં ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરાશે
Mumbai, તા.૧૧
લોકકથા આધારિત ફેન્ટસી ફિલ્મ ‘ધ વિવાન’ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે તેનું નવું મોશન પોસ્ટર પણ લોંચ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ હવે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મનું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં એક યોદ્ધા જેવા દેખાતા પાત્રને એક બળદ અને વાઘની વચ્ચે ઊભેલું દર્શાવવામાં આવ્યું છે. પ્રતીકાત્મક બાબતોથી ભરપૂર આ પોસ્ટર ફિલ્મની મુખ્ય સંઘર્ષકથા અને લોકકથા આધારિત રહસ્યમય વિશ્વની ઝલક આપે છે. પોસ્ટરની ભવ્યતા, બારીકીઓની કલાત્મકતા અને રહસ્યમય માહોલે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.‘ધ વિવાન’ ભારતીય લોકકથાઓ પર આધારિત ભવ્ય સિનેમેટિક અનુભવ હશે. ફિલ્મમાં ફેન્ટસી, એક્શન, કોમેડી અને એડવેન્ચરનો સમન્વય જોવા મળશે. ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરશે, જેમાં નવા પાત્રો, પ્રતીકો અને દંતકથાઓનો સમાવેશ થશે.આ વિશ્વની શરૂઆત ‘ધ લેજન્ડ ઓફ વિવાન’ નામની કોમિક બૂક દ્વારા કરવામાં આવી છે, જે ફિલ્મનો પ્રાથમિક પરિચય આપે છે. નવું પોસ્ટર પણ આ કાલ્પનિક વિશ્વની ભવ્યતા અને મહત્ત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવે છે.

