Washington, તા.૨૭
અમેરિકાના પૂર્વ ભાગમાં થૅન્ક્સગિવિંગના સમયે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. ભારે પવન, મૂશળધાર વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને તહેવારની મુસાફરી પર માઠી અસર પડી છે. હવામાન વિભાગે આ સ્થિતિને તાજેતરના ઈતિહાસના સૌથી મોટા થૅન્ક્સગિવિંગ તોફાન તરીકે વર્ણવી છે.વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઇટ પૉવર આઉટેજના અહેવાલ મુજબ, ગુરુવાર સાંજ સુધીમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આશરે નવ લાખ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર પૅન્સિલવેનિયામાં ૨.૧૩ લાખથી વધુ, વર્જિનિયામાં ૧.૫ લાખથી વધુ અને મિસૂરીમાં લગભગ ૧.૨ લાખ ગ્રાહકોને વીજળી મળી શકી ન હતી. વર્જિનિયામાં આશરે બે લાખ અને મૅરીલૅન્ડમાં ૧.૭૭ લાખ ઘરો તથા વેપારી સંસ્થાઓમાં અંધારપટ છવાયો હતો.પૂર્વ કિનારાના વિસ્તારોમાં ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ડેલાવેર, ન્યૂ જર્સી અને દક્ષિણ-પૂર્વ પૅન્સિલવેનિયામાં વૃક્ષો અને વીજ લાઇનો તૂટી પડવાથી મોટા પાયે વીજ કાપ સર્જાયો છે.થૅન્ક્સગિવિંગના સમયે આવેલા આ તોફાને હવાઈ પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સમગ્ર દેશમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો ઍરપૉર્ટ પર અટવાઈ ગયા છે. ફ્લાઇટઅવેરના ડેટા અનુસાર ગુરુવારે અમેરિકન હવાઈ મથકો પર ૩૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ ૭૦૦ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.થૅન્ક્સગિવિંગ આસપાસના સાત દિવસ દરમિયાન ૮.૧૫ કરોડ અમેરિકનો ઓછામાં ઓછા ૫૦ માઇલ દૂર પ્રવાસ કરવાના હતા. નેશનલ વેધર સર્વિસે પૂર્વ કિનારે ભારે વરસાદ, તેજ પવન અને વ્યાપક પૂરની ચેતવણી આપી છે તથા ઇન્ટરસ્ટેટ-૯૫ કૉરિડૉર પર ૫૦ માઇલ પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ જર્સીના ગવર્નરે કટોકટી જાહેર કરી છે અને ન્યૂયૉર્કના કેટલાક ભાગોમાં પણ કટોકટીના પગલાં લાગુ કરાયા છે.

