ગમતુ ન હોવાથી ઘરે પરત આવવાની પરિવારે ના પાડતાં સગીરાએ ફિનાઇલ પીધું
Babra,તા.06
બાબરા તાલુકાના લુણકી ગામમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાને હોસ્ટેલમાં ન ગમતું હોય, ઘરે પરત લાવવા બાબતે પરિવારે ના પાડતાં મનમાં લાગી આવવાથી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની શંકાના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, બાબરાના લુણકી ગામની સગીરા ગત તા. ૪ ઓગસ્ટના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હતી. જેથી પરિવારજનો દ્વારા તેને ત્વરિત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં દર્દીના સીટી સ્કેન રિપોર્ટ બાદ પોઈઝન (ઝેર)ની અસર હોવાની તબીબોને શંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલના બિછાને સગીરાએ જણાવ્યા મુજબ, તે ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે અને અગાઉ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. તેને હોસ્ટેલમાં ગમતું ન હોવાથી પરિવારજનોને ઘરે લેવા આવવા કહ્યું હતું, પરંતુ પરિવારે તેને પરત લાવવાની ના પાડતાં તેણે મનમાં લાગી આવીને ફિનાઇલ ગટગટાવી લીધું હતું. ઉલ્લેખનીય છે કે, તમન્ના પોતાના માતા-પિતાની એકની એક પુત્રી છે અને તેના પિતાનું અગાઉ નિધન થઈ ચૂક્યું છે. હાલ સગીરાની તબિયત કયા ચોક્કસ કારણોસર લથડી છે તે તબીબી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે સગીરાનું નિવેદન નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

