Mumbai,તા.૨૩
વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૨૪માં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. તેનું બેટ આ લીગમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યું છે. સેન્ટ કિન્ટ્સ અને નેવિસ પેટ્રિયોટ સામે રમાયેલી મેચમાં પણ તેના બેટમાંથી મેચ વિનિંગ ઇનિંગ જોવા મળી હતી. આ ઇનિંગ દરમિયાન નિકોલસ પુરને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે એક એવું કારનામું કર્યું છે જે ્૨૦ ક્રિકેટમાં પહેલા કોઈ બેટ્સમેન કરી શક્યો ન હતો.
સેન્ટ કિન્ટ્સ અને નેવિસ પેટ્રિઓટ સામે રમાયેલી મેચમાં નિકોલસ પૂરને ૪૩ બોલમાં ૯૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગના આધારે તેની ટીમ ૧૯૪ રનના લક્ષ્યનો પીછો કરીને મેચ જીતવામાં સફળ રહી હતી. નિકોલસ પુરને આ મેચ દરમિયાન ૬ ફોર અને ૭ સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે આ વર્ષે ટી ૨૦ ક્રિકેટમાં પોતાની ૧૫૦ સિક્સ પણ પૂરી કરી લીધી. તમને જણાવી દઈએ કે, નિકોલસ પૂરન ટી ૨૦ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા એવા બેટ્સમેન બની ગયા છે, જેમણે એક વર્ષમાં ૧૫૦ સિક્સર ફટકારી છે, આ પહેલા કોઈ પણ બેટ્સમેન આ આંકડાની નજીક નથી આવી શક્યો.
આ મહિનાની શરૂઆતમાં, નિકોલસ પૂરને એક વર્ષમાં સૌથી વધુ ટી ૨૦ સિક્સર મારવાનો રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ પહેલા ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે વર્ષ ૨૦૧૫માં ૧૩૫ ટી ૨૦ સિક્સર ફટકારી હતી. આ સાથે જ તે ટી ૨૦ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ચોથા સ્થાને છે. તેણે ટી ૨૦ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૫૬૩ સિક્સર ફટકારી છે. જેમાં ટી ૨૦ , ડોમેસ્ટિક ટી ૨૦ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો સમાવેશ થાય છે.
કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૨૪માં નિકોલસ પૂરનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે હાલમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ૭ મેચમાં ૪૫.૮૩ની એવરેજથી ૨૭૫ રન બનાવ્યા છે. આ દરમિયાન નિકોલસ પૂરનના બેટમાંથી ૨ અડધી સદી જોવા મળી છે. તેણે આ રન ૧૭૬.૨૮ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૯૭ રન રહ્યો છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને યથાવત છે. જ્યારે તેની ટીમની વાત કરીએ તો ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ ૭ મેચમાં ૫ જીત સાથે ચોથા સ્થાને છે.

