Gandhinagar ,તા.૯
રાજ્યના પ્રાથમિક શિક્ષકોને વેકેશન દરમિયાન આભાકાર્ડ સંબંધિત કામગીરી સોંપાતા શિક્ષક સંગઠનોમાં અસંતોષ ફેલાયો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી કામગીરી સામે સત્તાવાર વાંધો નોંધાવ્યો છે. મહાસંઘનું કહેવું છે કે શિક્ષકોને સતત શૈક્ષણિક કામગીરી સિવાયની ફરજો સોંપવામાં આવી રહી છે. જેના કારણે શિક્ષણ કાર્ય પર પ્રતિકૂળ અસર પડે છે. ખાસ કરીને ઉનાળાના વેકેશન દરમિયાન આભાકાર્ડની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શૈક્ષિક મહાસંઘે માંગ કરી છે કે આભાકાર્ડ જેવી બિન-શૈક્ષણિક કામગીરી અન્ય સંબંધિત વિભાગને સોંપવામાં આવે અને શિક્ષકોને તેમના નિયમિત શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે.
મહાસંઘે વધુમાં આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૨૨ દરમિયાન બીએલઓ કામગીરી બદલ શિક્ષકોને મળવાપાત્ર વળતર રજાઓ હજુ સુધી આપવામાં આવી નથી. સંગઠને સરકાર સમક્ષ માંગણી કરી છે કે બાકી રહેલી વળતર રજાની એન્ટ્રી તાત્કાલિક કરવામાં આવે અને શિક્ષકોને તેનો લાભ આપવામાં આવે.
પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષકોને વેકેશન સહિતની હકપાત્ર રજાઓ સમયસર મળતી નથી, જેના કારણે શિક્ષકોમાં અસંતોષ વધી રહ્યો છે. મહાસંઘે સરકારને શિક્ષકોના હકો અને સુવિધાઓ અંગે સંવેદનશીલ અભિગમ અપનાવવા અપીલ કરી છે.

