Washington, તા.19
મધ્ય પૂર્વના યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ સમજુતી શકય બનતી નથી અને તણાવ વધવા સાથે ફરી યુધ્ધનો ભડકો થવાના ભણકારા વાગી જ રહ્યા છે તેવા સમયે આજે અમેરિકાએ છેલ્લી ઘડીએ ભયાનક હુમલો અટકાવ્યાનો સનસનીખેજ દાવો કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ કહ્યું કે આજે ઇરાન પર ભયાનક હુમલો થવાનો હતો પરંતુ અખાતના દેશોની વિનંતી તથા ઇરાનના નવા શાંતિ પ્રસ્તાવના પગલે એ અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે ગમે ત્યારે એક જ ઇશારે ફરી હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, મંગળવારે ઈરાન પર અમેરિકા સત્તાવાર હુમલો કરવાનું જ હતું, પરંતુ ઈરાન તરફથી અચાનક વોશિંગ્ટનને એક નવી શાંતિ દરખાસ્ત મોકલવામાં આવી. આ દરખાસ્ત મળ્યા બાદ ટ્રમ્પે સેનાને હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના મતે, હવે ઈરાન સાથે ન્યુક્લિયર અંગે ડીલ થવાની ખૂબ સારી તકો દેખાઈ રહી છે.
જોકે સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને એવી સૂચના પણ આપી છે કે જો ઈરાન સાથેની આ શાંતિ વાટાઘાટોમાં કોઈ સ્વીકાર્ય કરાર નહીં થાય, તો સેનાએ માત્ર એક ઈશારે ઈરાન પર મોટા પાયે હુમલા કરવા માટે તૈયાર રહેવું પડશે.
આ સમગ્ર હાઈ-વોલ્ટેજ ડ્રામા પાછળ માત્ર અમેરિકા કે ઈરાન નથી, પણ પડદા પાછળ મિડલ ઈસ્ટના ત્રણ પાવરફુલ દેશો કામ કરી રહ્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓએ તેમને આ હુમલો રોકવા માટે અંગત રીતે વિનંતી કરી હતી. આ ત્રણેય દેશો મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે જેથી એવી ડીલ થાય જે અમેરિકા અને સમગ્ર મિડલ ઈસ્ટ માટે સ્વીકાર્ય હોય.
દુનિયા અત્યારે ભારે આર્થિક દબાણ હેઠળ છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આ યુદ્ધને લીધે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો દરિયાઈ માર્ગ બંધ છે, જ્યાંથી દુનિયાભરનું ક્રૂડ ઓઈલ સપ્લાય થાય છે. ટ્રમ્પ પર આ રૂટ ગમે તેમ કરીને વહેલી તકે ખોલાવવાનું ભારે દબાણ છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો આગ્રહ છોડી દેશે, તો જ અમેરિકા આ શાંતિ કરારથી સંતુષ્ટ થશે.

