Manavadar તા.16
માણાવદર શહેરના સ્મશાનગૃહની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે. જે સ્થળે લોકો પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપવા માટે ભારે હૃદયે આવતા હોય છે, ત્યાં અત્યારે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.
સ્મશાનની યોગ્ય જાળવણી અને સફાઈના અભાવે અંતિમ યાત્રામાં આવતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર સ્મશાન પરિસરમાં એવી ગંદકી ફેલાઈ છે કે ડાઘુઓએ નાકે રૂમાલ દઈને ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે. માણાવદર સ્મશાનમાં એટલી બધી ગંદકી હતી કે ખુદ ડાઘુઓએ સાવરણા હાથમાં લઈને જાતે સફાઈ કરી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર આર.આર. ધોળકીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી જ ફરજ પર આવ્યા છે. તેમણે આ બાબતે તપાસ કરાવીને સત્વરેસફાઈ કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી. બીજી તરફ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હાર્દિક ચાવડાએ જણાવ્યું હતું કે પોતે રજા પર હોવાનું જણાવીને પલ્લું ઝાટક્યું હતું, જોકે તેમણે પણ સ્મશાનની સફાઈ માટે સૂચના આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું. સફાઈના મોટા-મોટા દાવાઓ વચ્ચે માણાવદર સ્મશાનની આ વરવી વાસ્તવિકતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.

