Perth,તા.20
ભારતનાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ઓસ્ટ્રેલિયન મીડિયામાં ‘ધ ન્યૂ કિંગ’ કહેવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલી બાદ સૌથી વધુ ફોકસ તેનાં પર છે. તેને ભારતીય બેટિંગનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યો છે. લગભગ 12 વર્ષ પહેલાં, 24 વર્ષીય વિરાટ, પર્થની ઝડપી અને જ્વલંત પીચ પર પ્રથમ વખત રમી રહ્યો હતો, તે બંને ઇનિંગ્સમાં ભારતનો ટોપ સ્કોરર હતો.
મહાન સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ પણ ભારતીય પ્રતિક્ષા લાઇનઅપમાં હાજર હતાં અને તે બધાંએ તે મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો. વિરાટની તે ઇનિંગ્સથી ભારત તે મેચ જીતી શક્યું ન હતું, પરંતુ પર્થ ટેસ્ટ પછી તેની વ્યક્તિગત કારકિર્દીનો ગ્રાફ ઘણો ઊંચો આવ્યો હતો.
લગભગ 32 વર્ષ પહેલાં, જ્યારે તેંડુલકરે પણ પર્થમાં રમતાં પ્રથમ વખત સદી ફટકારી હતી, ત્યારે વિશ્વએ એક નવાં સુપરસ્ટારનો ઉદભવ જોયો હતો. હવે યશસ્વીનો વારો છે. સચિન અને વિરાટની જેમ પોતાની પ્રતિભાથી પર્થમાં નવી પ્રતિષ્ઠા મેળવીને તે પણ કાયમ માટે ’ધ ન્યૂ કિંગ’નું બિરુદ હાંસલ કરી શકે છે.
શાસ્ત્રીને યશસ્વી પર વિશ્વાસ
ભારતનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ખાતરી છે કે યશસ્વી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી વધુ સારો બેટ્સમેન બનીને પરત ફરશે. શાસ્ત્રીએ કહ્યું કે જો યશસ્વી પર્થની પડકારજનક પીચ પર રન બનાવશે તો તે શ્રેણીની બાકીની મેચોમાં આરામથી રમી શકશે.
તેણે કહ્યું, ’સંજોગોને અનુરૂપ એડજસ્ટ થવાની વાત છે. તેણે ઘણાં પડકારોનો સામનો કરીને આવ્યો છે રન બનાવવાની ભુખ અને જુસ્સો તેની આંખોમાં અને મેદાન પર પણ દેખાય છે.
યશસ્વીની ટેસ્ટ કારકિર્દી
♦ 14 મેચ
♦ 26 ઇનિંગ્સ
♦ 1407 રન
♦ 214 સૌથી વધુ
♦ સરેરાશ 56.28
♦ સ્ટ્રાઈક રેટ 70.13
♦ 8 વખત પચાસ
♦ 3 વખત સદી
ઓસ્ટ્રેલિયાને વોટસનની સલાહ : વિરાટથી બચીને રહેવું
પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને ઓસ્ટ્રેલિયન ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીથી બચીને રહેવાની સલાહ આપી છે. તેનું માનવું છે કે આ દિગ્ગજ ભારતીય બેટ્સમેન ઉશ્કેરાઈને જે જુસ્સા સાથે રમે છે તે જ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હોય છે.
કોહલી છેલ્લાં ઘણાં સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં છે પરંતુ તેણે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે શુક્રવારથી ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી પાંચ મેચની શ્રેણીમાં ફરી લય મેળવવાનો પ્રયાસ કરશે.
કોહલીને ઉશ્કેરીને મોટેભાગે ઓસ્ટ્રેલિયાને નુકશાન થયું છે અને વોટસને પોતે તેનો અનુભવ કર્યો છે. વોટસને કહ્યું, ’હું વિરાટ વિશે એક વાત જાણું છું કે તે મેચમાં દરેક બોલ પર જે જુસ્સો લાવે છે તે અદ્ભુત છે. પરંતુ તાજેતરનાં સમયમાં, એવી ક્ષણો આવી છે.
જ્યારે તેની અંદરની આગ ઓલવાઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મેચની દરેક ક્ષણોમાં તે તીવ્રતા જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. “પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ તેને એકલો છોડી દેવો જોઈએ અને આશા રાખવી જોઈએ કે તે ફરીથી જુસ્સો અને લય ન લાવે.
વિરાટે ઓસ્ટ્રેલિયામાં 13 ટેસ્ટ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 6 સદી અને 4 અડધી સદીની મદદથી 54.08ની સરેરાશથી 1352 રન બનાવ્યાં છે, જેમાંથી 169 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
વિરાટ કોહલી 5મી વખત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014-15 ની શ્રેણીમાં હતું જ્યારે તેણે 4 ટેસ્ટમાં 4 સદી અને એક અડધી સદી સાથે 86.50 ની સરેરાશથી 692 રન બનાવ્યાં હતાં.

