જે કર્મયોગ અનાદિ હોવા છતાં આ ભૂમંડલ ઉપર જાણવાવાળા વિશેષ પુરૂષોના ન રહેવાથી ચિરકાળ થી લુપ્તપ્રાપ્ય થઇ ગયો હતો તે જ કર્મયોગનું વર્ણન ફરીથી આરંભ કરતાં ભગવાન પહેલા ત્રણ શ્ર્લોકોમાં કર્મયોગની પરંપરા બતાવીને તેની અનાદિતા સિદ્ધ કરે છે.
શ્રીભગવાન ઉવાચ..
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્
(અહમ્-મેં, ઇમમ્-આ, અવ્યયમ્-અવિનાશી, યોગમ્-યોગ(કર્મયોગ), વિવસ્વતે-સૂર્યને, પ્રોક્તવાન-કહ્યો હતો પછી, વિવસ્વાન્-સૂર્યે પોતાના પૂત્ર, મનવે-વૈવસ્વત મનુને, પ્રાહ-કહ્યો અને, મનુઃ-મનુએ પોતાના પૂત્ર, ઇક્ષ્વાકવે-રાજા ઇક્ષ્વાકુને, અબ્રવીત-કહ્યો.)
ભગવાન બોલ્યા કે..મેં આ અવિનાશી યોગ(કર્મયોગ) સૂર્યને કહ્યો હતો પછી સૂર્યે પોતાના પૂત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પૂત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો હતો.(ગીતાઃ૪/૧)
જ્ઞાનનાં બે રૂપ છેઃનવું શોધાયેલું અને જુનું દબાયેલું.પ્રયોગશાળામાં જે જ્ઞાન પ્રગટે છે તે નવું છે,તેથી તે જ વિજ્ઞાન કહેવાય છે પણ ધર્મજ્ઞાન અધ્યાત્મજ્ઞાન જુનું પણ દબાઇ ગયેલું હોય તો સમય-સમય ઉપર તેને ખોદીને બહાર કાઢનાર પેદા થાય છે અને જ્ઞાન પ્રગટ થયું કહેવાય છે.પ્રગટ થવું એટલે ઉત્પન્ન થવું નહી.નાટકનો નટ પડદા પાછળથી પ્રગટ થાય છે,ઉત્પન્ન થતો નથી,તે તો પહેલેથી જ હતો પણ પડદાના કારણે દેખાતો નહોતો,પડદો હટવાથી હવે દેખાતો થયો.આવી રીતે જ્ઞાન તો હતું પણ સમયનો પડદો પડી જવાથી અદ્રશ્ય થઇ ગયું હતું,તે હવે પ્રગટ થયું.
આપણે એવું પણ માનીએ છીએ કે જ્ઞાનનો મૂળ સ્ત્રોત પરમેશ્વર શિવજી છે,તે દક્ષિણામૂર્તિના રૂપમાં આદિગુરૂ છે.તેથી અહી ભગવાન કહે છે કે મેં આ અવ્યય-નષ્ટ ન થનારૂં જ્ઞાન સર્વપ્રથમ વિવસ્વાન સૂર્યને કહ્યું હતું.આપણે દ્વાદશ આદિત્ય માનીએ છીએ.આપણું બ્રહ્માંડ બાર આદિત્યોનું છે.પ્રત્યેક આદિત્યને પૃથ્વી જેવા ગ્રહો છે,જે પોતપોતાના સૂર્યના ગુરૂત્વાકર્ષણમાં ચક્કર લગાવી રહ્યા છે.પ્રત્યેક સૂર્યનું એકબીજાથી અંતર હજારો-લાખો પ્રકાશવર્ષનું છે.આવા સૂર્યમાંનો એક આપણો સૂર્ય જેને વિવસ્વાન કહેવાય છે તેમાંથી જે વંશ ચાલ્યો તેને સૂર્યવંશ કહેવાયો અથવા સૂર્યને પ્રતિક માનીને સૂર્યોપાસના કરનારનો જે વંશ ચાલ્યો તેને સૂર્યવંશ કહેવાય.આ વિવસ્વાન નામના સૂર્યે આ જ્ઞાન મનુને આપ્યું.મનુ એટલે સૃષ્ટિનો આદિપુરૂષ.જે લોકો સૃષ્ટિની ઉત્પત્તિ માને છે તે માનવની પણ ઉત્પત્તિ માને છે.જે સૌથી પહેલો માનવ થયો તેનું નામ મનુ પાડવામાં આવ્યું.મનુ અને શતરૂપાના યુગલમાંથી બધી સૃષ્ટિ થઇ.આદિપુરૂષ મનુ ઉપરથી તેની પરંપરામાં જન્મેલાને મનુષ્ય-માનવ કહેવાય છે.મનુએ આ જ્ઞાન ઇક્ષ્વાકુ રાજાને આપ્યું.ઇક્ષ્વાકુ રઘુવંશનો આદિપુરૂષ છે.આ રીતે સૂર્યથી શરૂ થયેલું જ્ઞાન ઇક્ષ્વાકુ સુધી પહોચ્યું.
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્-ભગવાને જે સૂર્ય,મનુ અને ઇક્ષ્વાકુ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે તે બધા ગૃહસ્થ હતા અને તેઓએ ગૃહસ્થાશ્રમમાં રહીને જ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પુરાણો અને ઉપનિષદોમાં પણ કર્મયોગનું વર્ણન આવે છે,તો પણ તે ગીતામાં વર્ણવેલા કર્મયોગની જેમ સાંગોપાંગ અને વિસ્તૃત નથી.ગીતામાં ભગવાને વિવિધ યુક્તિઓ વડે કર્મયોગનું સરળ અને સાંગોપાંગ વિવેચન કર્યું છે.કર્મયોગનું આગલું વિશદ વર્ણન પુરાણો અને ઉપનિષદોમાં જોવામાં આવતું નથી.
ભગવાન નિત્ય છે અને તેમનો અંશ જીવાત્મા પણ નિત્ય છે તથા ભગવાનની સાથે જીવનો સબંધ પણ નિત્ય છે.આથી ભગવત્પ્રાપ્તિના તમામ માર્ગો યોગમાર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ વગેરે પણ નિત્ય છે.અહી ‘અવ્યયમ્’ પદ વડે ભગવાન કર્મયોગની નિત્યતાનું પ્રતિપાદન કરે છે.
પરમાત્મા સાથે જીવનો નિત્યયોગ છે.જેવી રીતે પતિવ્રતા સ્ત્રીએ પતિની થવા માટે કંઇ કરવું પડતું નથી,કેમકે તે પતિની તો છે જ.એજી જ રીતે સાધકે પરમાત્માના થવા માટે કરવાનું કંઇ જ નથી,તે તો પરમાત્માનો છે જ,પરંતુ અનિત્ય ક્રિયા,પદાર્થ,ઘટના વગેરેની સાથે જ્યારે તે પોતાનો સબંધ માની લે છે ત્યારે તેને ‘નિત્યયોગ’ એટલે કે પરમાત્માની સાથે પોતાના નિત્યસબંધનો અનુભવ થતો નથી,આથી તે અનિત્યની સાથે માનેલા સબંધને દૂર કરવા માટે કર્મયોગી શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ વગેરે મળેલી સમસ્ત વસ્તુઓને સંસારની જ માનીને સંસારની સેવામાં લગાવી દે છે.તે માને છે કે જી રીતે ધૂળનો નાનામાં નાનો કણ પણ વિશાળ પૃથ્વીનો જ એક અંશ છે,અીવી રીતે આ શરીર પણ વિશાળ બ્રહ્માંડનો જ એક અંશ છે.એવું માનવાથી ‘કર્મ’ તો સંસારના માટે થશે પરંતુ ‘નિત્યયોગ’ પોતાના માટે થશે એટલે કે નિત્યયોગનો અનુભવ થઇ જશે.
ભગવાન ‘વિવસ્વતે પ્રોક્તવાન્’ પદ વડે સાધકોનું એ તરફ લક્ષ્ય તરફ દોરે છે કે જેવી રીતે સૂર્ય સદા ચાલતા રહે છે એટલે કર્મ કરતા જ રહે છે અને સૌને પ્રકાશિત કરવા છતાં પણ પોતે નિર્લિપ્ત રહે છે તેવી જ રીતે સાધકોએ પણ પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પોતાનાં કર્તવ્યકર્મોનું પાલન પોતે કરતા રહેવું જોઇએ અને બીજાઓને પણ કર્મયોગની શિક્ષા દઇને લોકસંગ્રહ કરતા રહેવું પરંતુ પોતે નિર્લિપ્ત,નિષ્કામ, નિર્મમ અને અનાસક્ત રહેવું જોઇએ.સૃષ્ટિમાં સૂર્ય આદિ છે.સૃષ્ટિની રચનાના સમયે પણ સૂર્ય જેવા પૂર્વ કલ્પમાં હતા તેવા જ પ્રગટ થયા.તે સહુના આદિ સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો. આથી સિદ્ધ થયું કે ભગવાન સૌના આદિગુરૂ છે અને સાથે જ કર્મયોગ પણ અનાદિ છે.
ભગવાને સૃષ્ટિના આદિકાળમાં સૂર્યને કર્મયોગનો ઉપદેશ કેમ દીધો?
સૃષ્ટિના આરંભમાં ભગવાને સૂર્યને જ કર્મયોગના વાસ્તવિક અધિકારી જાણીને તેમને સર્વપ્રથમ આ યોગનો ઉપદેશ દીધો.સૃષ્ટિમાં જે સર્વપ્રથમ ઉત્પન્ન થાય છે તેને જ ઉપદેશ દેવામાં આવે છે,જેમકે બ્રહ્માજીએ સૃષ્ટિના આદિમાં પ્રજાઓને ઉપદેશ દીધો.(૩/૧૦) ઉપદેશ દેવાનું તાત્પર્ય છે-કર્તવ્યનું જ્ઞાન કરાવવું.સૃષ્ટિમાં સર્વપ્રથમ સૂર્યની ઉત્પત્તિ થઇ પછી સૂર્યથી સમસ્ત લોકો ઉત્પન્ન થયા.બધાને ઉત્પન્ન કરવાવાળા સૂર્યને સર્વપ્રથમ કર્મયોગનો ઉપદેશ દેવાનો હેતું તેમના દ્વારા ઉત્પન્ન સમસ્ત સૃષ્ટિને પરંપરા વડે કર્મયોગ સુલભ કરાવી દેવાનો હતો.
સૂર્ય તમામ જગતનું નેત્ર છે.તેમનાથી જ સૌને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેમના ઉદિત થતાં બહુધા સઘળાં પ્રાણીઓ જાગ્રત થઇ જાય છે અને પોતપોતાના કર્મોમાં લાગી જાય છે.સૂર્યથી જ મનુષ્યમાં કર્તવ્ય પરાયણતા આવે છે.સૂર્યને સમસ્ત જગતનો આત્મા પણ કહેવામાં આવ્યો છે,આથી સૂર્યને જ ઉપદેશ પ્રાપ્ત થશે તે તમામ પ્રાણીઓને પણ આપમેળે પ્રાપ્ત થઇ જશે,એટલા માટે ભગવાને સર્વપ્રથમ સૂર્યને જ ઉપદેશ દીધો.
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્-કર્મયોગ ગૃહસ્થોની ખાસ વિદ્યા છે.બ્રહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ અને સંન્યાસ-આ ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ જ મુખ્ય છે કેમકે ગૃહસ્થાશ્રમથી જ અન્ય આશ્રમો બને છે અને પળાય છે.મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહીને જ પોતાનાં કર્તવ્યકર્મોનું પાલન કરીને સુગમતાપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે,તેને પરમાત્માપ્રાપ્તિ માટે આશ્રમ બદલવાની જરૂર નથી.ભગવાને સૂર્ય, મનુ,ઇક્ષ્વાકુ વગેરે રજાઓના નામો લઇને એ બતાવ્યું છે કે કલ્પના આદિમાં ગૃહસ્થોએ જ કર્મયોગની વિદ્યા જાણી અને ગૃહસ્થાશ્રમમાં રહીને જ તેમને કામનાઓનો નાશ કરીને પરમાત્માતત્વને પ્રાપ્ત કર્યું.સંન્યાસી દ્વારા જે પરમાત્માતત્વ પ્રાપ્ત કરવામાં આવે છે તે જ તત્વ કર્મયોગી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સ્વાધાનીતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે.આથી કર્મયોગ ગૃહસ્થોની મુખ્ય વિદ્યા છે.
કર્મો કરતો હોવા છતાં પણ કર્મયોગીની કર્મોમાં કામના,મમતા અને આસક્તિ હોતી નથી,પરંતુ તેમનામાં પ્રીતિ અને તત્પરતા હોય છે.કામના-મમતા અને આસક્તિ અપવિત્ર કરવાવાળાં છે અને પ્રીતિ અને તત્પરતા પવિત્ર કરવાવાળાં છે.કર્મો સાથે સર્વદા સબંધ-વિચ્છેદ થતાં જ નિત્યપ્રાપ્ત સ્વરૂપ પરમાત્મા તત્વનો અનુભવ થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

