Manavadar તા.18
માણાવદરના રોણકી ગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. બનાવની તપાસમાં બે યુવતીઓને પોલીસે પકડી ચોરાઉ મુદામાલ કબજે લીધો હતો.
તા.12-4-26ના રોજ માણાવદરના રોણકી ગામે રહેતા દિનેશભાઇ માધાભાઇ સોલંકી (ઉ.વ. 51, રહે. રોણકી ગામ, પ્લોટ વિસ્તાર, તા. માણાવદર, જી. જુનાગઢ)ના રહેણાંક મકાનમાં દિવસ દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ મકાનમાં આવી રૂમમાં પ્રવેશ કરી સોનાનો હાર આશરે ત્રણેક તોલા, પેન્ડલ સેટ ચેઇન આશરે 11 ગ્રામ, સોનાની બુટી આશરે સવા ગ્રામ, સોનાની વિંટી બે, ચાંદીના પાયલ તથા ચાંદીનો સિક્કો મળી કુલ રૂા. 2,20,500ની ચોરી કરી ગયેલ હોય જે અત્રેના પો. સ્ટે.ગુ.ર.નં. 11203037260107-2026 બીએનએસ કલમ 305, 331(3), 61(2) મુજબનો ગુનો તા.13ના રોજ જાહેર થયેલ હોય જે ગુનો શોધી કાઢવા માણાવદર પોલીસ સ્ટે.ના ઇન્સ. જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.હે. રમેશભાઇ ગલ તથા વિક્રમભાઇ કડછાને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તનિષાબેન મોહનભાઇ કટારીયા (રહે. જેતપુર) તથા તૃપ્તિબેન કાંતિભાઇ ચાવડા-રહે. વાડલા ગામ, જિ. જુનાગઢ હોવાની બાતમી હકીકત આધારે અત્રેના પો.સ્ટાફની ટીમ જેતપુર, જી. રાજકોટ તથા વાડલા-જી. જુનાગઢ રવાના થઇ ઉપરોક્ત બંને યુવતીઓને પૂછપરછ માટે માણાવદર પો.સ્ટે. ખાતે લાવી પૂછપરછ કરતા બંને યુવતીઓ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતી હોય જેથી બંને યુવતીઓની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં બંને યુવતીઓ ભાંગી પડેલ હોય અને ચોરી બંને યુવતીઓએ સાથે મળીને કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી આ ગુનાના કામે મજકુર બંને યુવતીઓને મુદામાલ સાથે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને બાકી રહેલો મુદામાલ રીકવર કરવાની આગળની કાર્યવાહી ચાલુ છે.
આ કામગીરી માણાવદર પો.સ્ટે.ના જે.બી. પટેલ, જીણાભાઇ ગરેજા, રમેશભાઇ ગલ તથા ભરતભાઇ ઓડેદરા, વિક્રમભાઇ કડછાએ કરી હતી.

