Rajkot,તા.૫
રાજકોટમાં સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા છે. પીજીવીસીએલના એમડીના નામે એકાઉન્ટ બનાવીને ૪૫.૬૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મીટિંગમાં છું એમ કહીને દબાણથી આરટીજીએસ કરાવીને ઠગાઈ આચરવામાં આવી છે. આ કેસમાં ૪૫.૬૦ લાખની છેતરપિંડીને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે.
ઠગાઈની આ ઘટના રાજકોટના સાઇબર સેલમાં નોંધવામાં આવી છે. આના પગલે રાજકોટ સાઇબર સેલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. સાઇબર સેલ માટે આશ્ચર્યની વાત એ છે કે જનરલ મેનેજર જેવી વ્યક્તિ સાથે આ સાઇબર ફ્રોડ થયો છે. તેના કારણે સાઇબર સેલ પણ આ ઘટનાને અત્યંત ગંભીર માની રહી છે. સાઇબર સેલનું માનવું છે કે આ પ્રકારના ગુના પાછળ મોટી ટોળકી હોઈ શકે છે.
ગુજરાતમાં આજે કોઈને કોઈ સ્વરૂપમાં સાઇબર ફ્રોડ ચાલતો જ રહે છે. આ ઘટના બતાવે છે કે રાજ્યનો કોઈ જિલ્લો કે તાલુકો બાકી રહ્યો નથી જ્યા સાઇબર ફ્રોડ થયો ન હોય. સાઇબર ફ્રોડસ્ટરો માટે વૃદ્ધો અને મહિલાઓ એકદમ સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેઓ સુમાહિતગાર હોતા નથી. કાયદાની આંટીઘૂંટીની તેમને ખબર હોતી નથી.ગુજરાત રાજકારણ વિશ્લેષણ
તેથી તેમને બનાવટી કોર્ટ અને સીબીઆઈ કે ઇડીના નામે ડરાવવામાં આવે છે. આ આખી પ્રક્રિયા પાછી ઓનલાઇન ચાલે છે. પીડિતને પહેલાં તો વિશ્વાસ પણ આવતો નથી કે તે કોઈ કાંડનો ભોગ બની રહ્યો છે. તે જ્યારે રૂપિયા ગુમાવે તેના પછી તેને ખબર પડે છે કે આ પ્રકારની ઘટના બની છે.

