Rajkot,તા.27
ગુજરાતમાં નિરસ બનેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં રાજય સરકારે નવી બનાવેલી નવ મહાપાલિકા સાથે ચુંટણીમાં જઈ રહેલી છ મહાપાલિકાના ટ્રેન્ડ પર સૌથી વધુ નજર હતી. ભાજપના ગઢ બની રહેલા આ ક્ષેત્રમાં ગત ચુંટણીમાં ભાજપે જે રીતે કલીન સ્વીપ કરી હતી તેવી જ રીતે આ ચુંટણીમાં પણ શહેરી અને નવા શહેરી બનેલા મતદારો ભાજપને ચિંતા મુક્ત જ રાખશે તેવા સંકેત હતા પણ ખાસ કરીને તમામ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49.2% જેવા નીચા મતદાન અને આ ચુંટણીમાં ત્રિકોણીય સ્પર્ધાએ ચિત્ર રસપ્રદ બનાવી દીધુ છે.
રાજયમાં ‘SIR’ તથા વધારાયેલી ઓબીસી અનામત બાદની આ પ્રથમ ચુંટણી હતી અને તેમાં ભારે તડકાની ભૂમિકા પણ વિલન બનશે તેવા સંકેત હતા. રસપ્રદ રીતે ચુંટણીને ‘ભાજપ’ કેન્દ્રીત રાખવા આ પક્ષે ભરપુર પ્રયાસ કર્યા હતા. બીજા ફેકટરમાં આ ચુંટણી મોટાભાગે ‘લોકલ લીડર્સ’ પર આધારિત બની ગઈ હતી. વધુ એક ફેકટરમાં ભાજપ જે રીતે કેડર બદલી રહ્યો છે.
તે સંદર્ભમાં સંગઠનમાં પણ બદલાવ થયો તેની આ પ્રથમ ચુંટણી પરિક્ષા હતી. પાંચ રાજયોની ચુંટણીના કારણે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ રાષ્ટ્રીય સ્તરે વ્યસ્ત હતા તેથી ગુજરાતમાં તેઓ પ્રચારમાં પણ સક્રીય ન હતા.
સૌથી મહત્વનું ઉમેદવાર પસંદગી સમયે ભાજપમાં વ્યાપક અસંતોષ હતા તે છેલ્લે સુધી જોવા મળ્યો હતો. ચુંટણીમાં એક ‘વાતાવરણ’ ઉભુ કરવા ભાજપે સામ-દામ-દંડ-ભેદનો સતાના માધ્યમથી ઉપયોગ કરી 700થી વધુ બેન્કો બિનહરીફ જીતી પણ મતદારો પર તેનો કોઈ પ્રભાવ પડયો નથી તેવા પરિણામ પુર્વેના પ્રાથમીક સંકેત છે.
સૌ પ્રથમ તો આ ચુંટણીમાં મહાનગરોના પરિણામે આ આગામી વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચુંટણી માટે એક સંકેત આપી જશે અને તેથી કાલના મહાનગરોમાં ભાજપ ગઢ જાળવી શકશે કે કેમ તેના પર નજર છે.
ગઈકાલના મતદાન બાદ ગુજરાત ચેનલ એસીબી અસ્મિતાએ તેમના પાંચ પત્રકારોના એકઝીટ પોલ રજુ કર્યા જે દર્શાવે છે કે મહાનગરોમાં ભાજપની પકડ ઢીલી પડી છે પછી તે પરંપરાગત છ જુની મહાપાલિકા હોય કે પછી નવી બનેલી નવ મહાપાલિકા હોય, જો મહાપાલિકા ક્ષેત્રમાં ભાજપનું પ્રદર્શન 2021 જેવું નહી હોય તો ગ્રામીણ ક્ષેત્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે અને તેથી આ પરિણામો ખૂબજ રસપ્રદ બની જશે.
જો કે આ ફકત એકઝીટ પોલ જેવા આંકડા છે અને સૌપ્રથમ અમદાવાદ જે ભાજપના પુરોગામી જનસંઘનું જન્મસ્થળ છે ત્યાં ભાજપની બેઠકો ઘટીને 153 તથા કોંગ્રેસની 35 બેઠકો થશે તેવુ જણાવાયું છે.
ખાસ કરીને એકંદર અમદાવાદમાં મતદાન ઓછુ નોંધાયુ પણ જયાં ‘સર’ની અસર વધુ હતી તે મુસ્લીમ ક્ષેત્રમાં ભારે મતદાન થયુ છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત જે ભાજપના દિગ્ગજ નેતાઓનો ગઢ છે ત્યાં ભાજપને ગત ચુંટણીમાં 105 બેઠકો હતી તે ઘટીને 88 થશે. ‘આપ’ જેણે ગત ચુંટણીમાં 27 બેઠકો જીતી હતી તેને હવે 28 મળશે. આ પક્ષના 13 કોર્પોરેટરોએ પક્ષપલટો કરી ભાજપમાં ગયા હતા તો કોંગ્રેસ જેનુ ખાતુ ખુલ્યુ ન હતું. તેને 4 બેઠકો મળશે તેવું આ પોલમાં જણાવાયું છે.
વડોદરામાં પણ ભાજપનો હોલ્ડ ઘટશે અને 62 બેઠકો કોંગ્રેસને 13 બેઠકો મળશે. રાજયના ચોથા મોટા મહાનગર રાજકોટમાં ભાજપને 57 કોંગ્રેસને 12 અને ‘આપ’ને ત્રણ બેઠકોના સંકેત છે.
આ જ રીતે જામનગરમાં ભાજપને 50 કોંગ્રેસને 11 અને અહી બસપા 3 બેઠક મેળવશે તેવા સંકેત છે. ભાવનગરમાં ગત ચુંટણીમાં ભાજપને 44 બેઠકો હતી જેમાં આ ચુંટણીમાં ભાજપ 39 કોંગ્રેસ 13 બેઠકો જીતશે તેવા સંકેત છે.
રાજયમાં નવી રચાયેલી મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર મહાપાલિકામાં પણ ભાજપને પડકાર છે તે નિશ્ર્ચિત થઈ રહ્યું છે. મોરબીમાં 52 બેઠકોમાં ભાજપ 35, કોંગ્રેસ 11 અને બાકીની બેઠક પર ‘આપ’ અને અપક્ષો બાજી મારશે. એ ઉલ્લેખનીય છે કે ઈરાન યુદ્ધના કારણે મોરબી લોકડાઉન જેવી હાલતમાં છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકા પર બેઠકોમાં ભાજપ 46 અને કોંગ્રેસ 4 તથા અપક્ષો બે બેઠક મેળવી શકે છે તો પોરબંદરમાં ભાજપને 47 કોંગ્રેસને 2 તથા ‘આપ’ને 2 બેઠકો તથા અપક્ષ એક બેઠક મેળવી જશે. અન્ય નવી મહાપાલિકાઓમાં પણ કોંગ્રેસને બેઠકો મળશે તેવા સંકેત છે જે ધારાસભા ચુંટણી પુર્વે આ પક્ષને એક બુસ્ટર ડોઝ હશે.

