Rajkot,તા.14
શહેરમાં બે અલગ-અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવકોએ આપઘાત કરી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભગવતી પરા વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળીને એક યુવકે અને ખોડિયાર નગરમાં મધ્યપ્રદેશના શ્રમિક યુવકે ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતા અનમોલ રામદાસ પાટીલ (ઉં.વ. ૩૮) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા જ પરિવારજનો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મેટોડાની કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસ અનુભવતો હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
બીજા બનાવમાં ખોડિયાર નગર-૧૬માં સામે આવ્યો છે. અહીં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉં.વ. ૨૫) એ ગઈકાલે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. શિવમ કડિયા કામ કરીને ગુજરાન ચલાવતો હતો અને અહીં એકલો રહેતો હતો. જ્યારે તેની સાથે કામ કરતો અન્ય યુવક તેને બોલાવવા ગયો અને રૂમ ન ખુલ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં રૂમ ખોલતા શિવમ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ૧૦૮ની ટીમે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ, બંને બનાવો અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શિવમ વિશ્વકર્માએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે.

