New Delhi,તા.૯
શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો મંગળવારે દિલ્હી તરફ કૂચ નહીં કરે. ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આવતીકાલે આંદોલનને લઈને રણનીતિ બનાવવામાં આવશે. શુક્રવાર અને રવિવારે ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વખત હરિયાણા પોલીસે તેમને રોક્યા.
સોમવારે સુપ્રીમ કોર્ટે આ કેસ સાથે જોડાયેલી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે કહ્યું કે આ મામલો પહેલેથી જ સબ-જ્યુડિસ છે. એક જ મુદ્દા પર વારંવારની અરજીઓ પર વિચાર કરી શકાય નહીં. અરજીમાં કેન્દ્ર અને અન્ય સત્તાવાળાઓને પંજાબના તે હાઈવે પરથી નાકાબંધી દૂર કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી.
ખંડપીઠે અરજદાર ગૌરવ લુથરાને વારંવાર અરજી ન કરવા જણાવ્યું હતું. કોર્ટે પેન્ડિંગ કેસ સાથે પિટિશનને ક્લબ કરવાની લુથરાની વિનંતીને પણ ફગાવી દીધી હતી.
સર્વન સિંહ પંઢેર આજે ખનેરી બોર્ડર જઈને જગજીત દલ્લેવાલના ખબરઅંતર પૂછશે. ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુ પણ ખનેરી જઈ રહ્યા છે. દલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે ચર્ચા થશે.
ખેડૂતોના આંદોલન પર પંજાબમાં પણ રાજનીતિ તેજ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે કહ્યું કે ખેડૂતો માત્ર એમએસપી પર કાયદાકીય ગેરંટી આપવાની માંગ કરી રહ્યા છે. પરંતુ કેન્દ્રનું વર્તન સારું નથી. ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે અને તેમને દિલ્હી જવા દેવામાં આવી રહ્યાં નથી. રાહુલ ગાંધીએ એમએસપી પર કાનૂની ગેરંટીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જો અમને તક મળશે તો અમે સંસદમાં ઝીરો અવર અથવા પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓ કોર્પોરેટ તરફી અને ખેડૂત વિરોધી છે. તેમની પાસેથી અમને કોઈ આશા અને અપેક્ષા નથી.આ દરમિયાન પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાને કહ્યું કે કેન્દ્ર સરકારે આગળ આવવું જોઈએ અને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ.

