ભારતનો રાષ્ટ્રધ્વજઃ રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે.
૧. કેસરી, ૨. સફેદ, ૩. લીલો.
રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો હોવાથી તેને ‘ત્રિરંગો’ પણ કહે છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિનું પ્રતિક છે. સફેદ રંગના વચલા પટ્ટામાં વાદળી રંગનું અશોકચક્ર છે. અશોકચક્રમાં ૨૪ આરા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે.
રાષ્ટ્રમુદ્રાઃ ભારતની રાષ્ટ્રમુદ્રા સમ્રાટ અશોકના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવી છે. આમા ચાર સિંહ, મધ્યમાં ધર્મચક્ર તથા જમણી બાજુએ આખલો અને હાથી તથા ડાબી બાજુએ દોડતો ઘોડો અને સિંહ છે. રાષ્ટ્રમુદ્રાની નીચે દેવનાગરી લિપિમાં ‘સત્યમેવ જયતે’ અંક્તિ છે. ભારત સરકારે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાષ્ટ્રમુદ્રાને માન્યતા આપી છે.
રાષ્ટ્રગીતઃ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળીમાં લખ્યું હતું જેને હિન્દીમાં ભારતની બંધારણસભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી. જન-ગણ-મન આ ગીત ગાવાની અવધી ૨૫ સેકન્ડ છે.
રાષ્ટ્રગાનઃ બંકિચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઈ.સ.૧૮૮૨માં પોતાની નવલકથા ‘આનંદમઠ’માં લખ્યું હતું. ભારતની બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ ગીતને રાષ્ટ્રગાન તરીકે માન્યતા આપી હતી. વન્દે માતરમ્ આ ગીત ગાવાની અવધી ૬૫ સેકન્ડ છે.
રાષ્ટ્રીય પ્રાણીઃ ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભરાવદાર પીળા અને ઘેરા કાળા રંગના પટ્ટા ધરાવતો ‘શાહી બંગાળી વાઘ’ એશિયામાં પ્રસિદ્ધ છે.
રાષ્ટ્રીય પક્ષીઃ અદ્ભૂત રંગછટા, હંસના કદના, શિરમુકુટસમી પંખાકાર કલગીથી શોભતા, આખો નીચે શ્વેત ચિહ્નવાળા તથા લાંબી અને નમણી ડોક ધરાવતા ‘મોર’ને રાષ્ટ્રીયપક્ષી તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય પુષ્પઃ ભારતના રાષ્ટ્રીય પુષ્પ તરીકે ‘કમળ’નો સ્વીકાર કરવામાં આવ્યો છે.‘કમળ’ ભારતીય સંસ્કૃતિ, પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. ભારતમાં પ્રાચીન સમયથી કમળનું સ્થાન ધર્મમાં તેમજ કલામાં અદ્વિતીય રહ્યું છે.
સ્વાતંત્ર્ય દિનઃ ઈ.સ. ૧૯૪૭ પહેલાં આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું. મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે અનેક આંદોલનોને અંતે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષે ૧૫ ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિન તરીકે ધામધૂમથી ઉજવાય છે. ઠેરઠેર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દિલ્હીમાં આપણા દેશના વડાપ્રધાન લાલકિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. રેડિયો તથા ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.
પ્રજાસત્તાકદિનઃ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ સ્વતંત્ર ભારત દેશની બંધારણસભાએ મંજૂર કરેલ બંધારણ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે ૨૬ જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઉજવાય છે. આ દિવસે શાળાઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. દિલ્લીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરી ત્રણેય પાંખોની પરેડ યોજાય છે. આપણા દેશના રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ થાય છે. સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે.
ગાંધી જયંતીઃ આપણા મહાત્મા ગાંધીનો જન્મ ૨-ઓકટોબરના દિવસે થયો હતો. દર વર્ષે આ દિવસ ગાંધી જયંતી તરીકે ઉજવાય છે. સત્ય અને અહિંસાના મહાન પૂજારી એવા ગાંધીજીના સત્યાગ્રહોને પરિણામે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રેજોની લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો. ગાંધી જયંતીના દિવસે ઠેરઠેર પ્રાર્થનાસભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઘણાં સ્થળોએ કાંતણ અને સફાઈના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે અગ્રણી દેશનેતાઓત ગાંધીજીની સમાધિ પર ફૂલો ચડાવે છે.
રાષ્ટ્રીય વૃક્ષઃ ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડવૃક્ષનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ફળઃ ભારતના રાષ્ટ્રીય ફળ તરીકે ‘કેરી’નો સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય નદીઃ ભારતની રાષ્ટ્રીય નદી તરીકે ગંગાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

