Bhilai તા.10
બેન્ક ઓફ ઈન્ડિયાની ભિલાઈની બ્રાન્ચમાં જોઈન્ટ ખાતામાંથી પત્ની 80 લાખ રૂપિયા ઉપાડીને સાળા સાથે પલાયન થઈ જતા એકાઉન્ટ હોલ્ડરે પત્ની અને સાળા સહિત બેન્ક મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે. ખાતાધારકનો આરોપ છે કે આવડી મોટી રકમનો ઉપાડ થતા પહેલા બેન્ક મેનેજરે તેને જાણ નહોતી કરી. આ મામલે કોઈ કાર્યવાહી ન થતા ખાતાધારકે કોર્ટમાં ધા નાખતા કોર્ટે બેન્ક મેનેજર, પત્ની, સાળા સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ નટરાજ મુદલિયાર ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાંથી 2019માં નિવૃત થયા હતા અને ફંડમાં 80 લાખ રૂપિયા મળ્યા હતા. જે તેના બેન્ક ઓફ ઈન્ડિયામાં પત્ની રાજકુમારી મુદલિયાર સાથેના જોઈન્ટ ખાતામાં જમા કર્યા હતા. નિવૃતિ બાદ પત્ની અને સાળાએ રકમ કોઈ સ્કીમમાં રોકાણ કરવાની વાત કરી હતી. જેથી તેણે ચેક પર સાઈન કરીને પત્નીને આપ્યો હતો.
નટરાજ એક મહિના બાદ કેટલીક રકમ તેની માના ખાતામાં જમા કરવા માંગતા હતા. તેના માટે તે ચેક લઈને બેન્ક પહોંચ્યા હતા. જયાં તેમને ખબર પડી કે ખાતામાં પૈસા જ નથી. બધી રકમ પત્નીએ ઉપાડી લીધી હતી અને પત્ની ભાઈ સાથે ચેન્નાઈ ભાગી ગઈ હતી. ખાતાધારકે આક્ષેપ લગાવ્યો હતો કે મારા ખાતામાંથી આવતી મોટી રકમ ઉપાડાઈ છતાં બ્રાન્ચ તરફથી મને કોઈ સૂચના નહોતી મળી.

