અયોધ્યામાં લગભગ ૫૦૦ વર્ષો બાદ આજે રામલલા પોતાના પૂર્ણ સ્વરૂપમાં ભવ્ય મંદિરમાં વિરાજમાન થઈને ભારતવર્ષને પ્રકાશિત કરી રહ્યા છે. રામલલા જ્યારે પોતાના ઘરમાં દિવાળી મનાવી રહ્યા છે તો એ નિઃસંદેહ તમામ ભારતવાસીઓને ગર્વની અનુભૂતિ કરાવતી પળ છે. તમે દરેક ભારતવાસીની ૫૦૦ વર્ષની પીડા, તેમના દુઃખ, તેમના સંઘર્ષોને સમજી શકો છો કે પોતાના જ દેશમાં, પોતાના જ ભક્તો વચ્ચે રામલલા બેઘર હતા અને ટેન્ટમાં રહેવા મજબૂર હતા.
રામલલાએ આપણા બધાને પોતાના જીવન ચરિત્રથી સ્પર્શ કર્યો છે, આપણને સંસ્કારિત કર્યા છે અને આપણે જીવનની મર્યાદાનું પાલન કરવાનું શીખવ્યું છે. મર્યાદાની એવી પ્રતિમૂર્તિ, જેમના પગના સ્પર્શથી અહલ્યા માતાને પથ્થરથી સજીવ બનાવી દીધા, જેમની મિત્રતાએ નિષાદરાજને પણ ભરત સમાન આદર આપ્યો, જેમના પ્રેમે માતા શબરીને સંતોના ઉચ્ચ આસન પર બેસાડ્યા, જેમના પ્રેમે કેવટનો ઉદ્ઘાર કર્યો, જેમના સાથે આદિવાસી અને સમગ્ર વાનર સમુદાયને સમાજમાં પ્રતિષ્ઠિત કર્યા, જેમના શૌર્યે રાવણ જેવા પરાક્રમી, દુરાચારીનો અંત કર્યો અને જેમના આદર્શે માનવ જીવનને એક દિશા આપી, એવા આપણા રામલલાનું સ્વાગત આખું ભારતવર્ષ કરી રહ્યું છે. આનંદની આ ક્ષણોમાં આપણે એ તમામ બલિદાનીઓના પણ આભારી રહીશું, જેમણે પોતાના ત્યાગ અને તપસ્યાથી આ મહાન ક્ષણને સાકાર કરી.
આ ધર્મના ઉદ્ઘોષની ક્ષણ છે. મા સીતાની કઠોર પ્રતીક્ષાએ રામના જે રામત્વનાં દર્શન વિશ્વને કરાવ્યાં, તમામ રામભક્તોએ પણ ૫૦૦ વર્ષોથી વધારેની એ પ્રતીક્ષાને જીવનમાં જોઈ છે. આ એ સંકલ્પનું મૂર્ત રૂપ છે કે આક્રાંતાઓથી ભયભીત થયા વિના રામભક્તોએ પોતાના આરાધ્યના મંદિરને પુનઃપ્રાપ્ત કર્યું છે. ફરી એક વાર વિજય સત્યનો થયો છે. ભારતીય સનાતન અસ્તિત્વના ભવ્ય સ્વરૂપનાં દર્શન કરવાં હોય તો અયોધ્યા આવો. એ રામ મંદિર, જેની દરેક ઇંટમાં અસંખ્ય ભક્તોની નિર્મળ અશ્રુધારા છે. હાથ જોડેલા તમામ લોકો એ સંઘર્ષને જાણે છે, જેણે શ્રી રામજન્મભૂમિના અસ્તિત્વને જાળવી રાખ્યું. દરેક ભારતવાસી એ વાતને જાણે છે કે રામનું ચરિત્ર ચિત્રણ જ કલ્યાણનો માર્ગ છે. રામના આદર્શ જ સર્વશ્રેષ્ઠ છે. રામ જ સત્ય છે અને રામ જ ઉત્તમ ચે. આજે એ પાવન ધરતી પર વિજયનો ઉદ્ઘોષ કરતું ભવ્ય રામમંદિર એ વાતનું પ્રમાણ છે કે આસ્થાનું અસ્તિત્વ સંકલ્પોની શક્તિ પર ટકેલું છે.
અયોધ્યાના કણ-કણમાં તો રામ વિરાજમાન છે જ, દરેર્કભરતવાસીના મન મંદિરમાં પણ રામ વિરાજમાન છે. આ ઉત્સવ માત્ર કોઈ એક જમીન પર અધિકાર પ્રાપ્ત કરવાનો ઉત્સવ નથી, બલ્કે તે સનાતનના પુનરુત્થાનની એ ગૌરવ ક્ષણ છે, જે એ દર્શાવે છે કે રાહ ભલે ગમે તેટલી લાંહી હોય, પરંતુ સંઘર્ષનું પ્રતિફળ ઈશ્વર હંમેશાં આપે છે. ભવ્ય રામ મંદિર બની જવું અયોધ્યામાં ન માત્ર રોજગારનાં નવાં સાધન પેદા કરે છે, બલ્કે દરેક અયોધ્યાવાસીની અંદર નવી ઊર્જા ભરી રહ્યું છે.
આ દિવાળીએ આખી અયોધ્યાએ જે તૈયારી પ્રભુ શ્રીરામના સ્વાગત માટે કરી તેની પ્રત્યેક ભાવનામાં પ્રભુ શ્રીરામના ચરિત્રનું એ શિક્ષણ છે જે તેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું છે. વિશ્વ કલ્યાણની ભાવનાના ઊર્જા સ્રોત શ્રીરામ જ છે. શ્રીરામ જન્મભૂમિ માત્ર એક ધર્મસ્થળ રૂપે આવશ્યક નથી, બલ્કે એક સમાજ રૂપે ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાના જાગરણનું સ્મૃતિ ચિહ્ન છે. દિવાળીએ જ્યારે તમે પ્રભુ શ્રીરામને યાદ કરતાં એ પણ યાદ રાખવું કે તેમના જન્મસ્થળની રક્ષા માટે કેટલાય પુણ્યાત્માઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. આ ક્ષણ ૫૦૦ વર્ષ બાદ આવી છે. અસંખ્ય સંઘર્ષો બાદ શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય શ્રીરામ મંદિર સ્થાપિત છે. સમયના અંત સુધી તે આવી જ રીતે ઊભું રહીને સનાતનનો જયઘોષ કરશે. ભારતીય સનાતન પરંપરાના જીવંત વિચાર અને સંગઠનાત્મક કૌશલનું સાક્ષી બનશે.

