વાયુ પ્રદૂષણમાં પરાળ બાળવાથી નીકળતા ધૂમાડાની ભૂમિકાને જોતાં કેન્દ્ર સરકારે તેને બાળવા પર બેગણો દંડ કરવાનો જે આદેશ કર્યો તે ત્યારે જ અસર કરશે, જ્યારે રાજ્ય સરકારો પરાળ બાળવાથી રોકવા માટે કમર કસશે. અત્યાર સુધી રાજ્ય સરકારો આ મોરચે બહુ સફળ નથી થઈ શકી અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે હાલના દિવસોમાં તેમની કેટલીય વાર ઝાટકણી કાઢી છે. પરાળ બાળવાથી લોકોને રોકવા જ જોઇએ, એટલા માટે કારણ કે હવે તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશની સાથે દેશના અન્ય હિસ્સામાં પણ બાળવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે એ પણ સમજવું જોઇએ કે વાયુ પ્રદૂષણનું એકમાત્ર કારણ પરાળ બાળવું એ જ નથી. વાયુ પ્રદૂષણમાં વાહનોના ઉત્સર્જનની પણ એક મોટી ભૂમિકા છે, પરંત તેના માટે કોઇપણ સરકાર દ્વારા કોઈ ઠોસ પ્રયત્ન નથી કરવામાં આવતા કે વાહનોના ઉત્સર્જન પર લગામ લાગે. વાહનોના ઉત્સર્જનનું એક મોટું કારણ છે ટ્રાફિકનું સુગમ ન હોવું. નાનાં-મોટાં શહેરોમાં ટ્રાફક જામને કારણે વાહન ધીમા ચાલે છે. જ્યારે એવું થાય છે ત્યારે વાહનોમાંથી ક્યાંય વધુ વિષાક્ત ઉત્સર્જન થાય છે. શહેરોમાં એવાં સ્થાન વધતાં જાય છે, જ્યાં સડકો પર દબાણ અને અવ્યવસ્થિત ટ્રાફિકને કારણે વાહન બહુ જ ધીમી ગતિથી ચાલવા મજબૂર હોય છે. હવે તો સ્થિતિ એ છે કે શહેરી વિસ્તારોમાંથી પસાર થનારા રાજમાર્ગો પર પણ ટ્રાફિક ખૂબ જ જામ રહેવા લાગ્યો છે. તેનાથી સરકારો અને તેમની એજન્સીઓ પણ અજાણ નથી, પરંતુ લાગે છે કે સુગમ ટ્રાફિક કોઈના એજન્ડામાં છે જ નહીં.
એક આંકડા અનુસાર દિલ્હીમાં પ્રદૂષણ સ્થાનિક કારણોસર પણ વધે છે અને તેનું એક મોટું કારણ વાહનોનું ઉત્સર્જન છે. આખરે વાહનોના ઉત્સર્જનને નિયંત્રિત કરવા પર ક્યારે ધ્યાન આપવામાં આવશે? દેશમાં એવાં શહેરોની સંખ્યા વધતી જાય છે, જેની ગણતરી દુનિયાના પ્રદૂષિત શહેરોમાં થવા લાગી છે. જો સરકારો અને તેમની એજન્સીઓ પ્રદૂષણની ગંભીર થતી સ્થિતિથી વાસ્તવમાં ચિંતિત હોય તો પછી તેમણે એ તમામ કારણોનું નિવારણ એક સાથે કરવું જોઇએ, જેનાથી વાયુમંડળ ઝેરી થાય છે. તેમણે પરાળ બાળવાથી રોકવા અને વાહનોના ઉત્સર્જન પર લગામ લગાવવાના ઠોસ ઉપાય કરવાની સાથે જ એના પર પણ ધ્યાન આપવું પડશે કે સડકો અને નિર્માણ સ્થળોથી ધૂળ ન ઊડે. અત્યારે તો તેની કોઈ પરવા નથી કરવામાં આવતી. એ પણ બધા જાણે છે કે કચરો બાળવાથી રોકવાના ઉપાય પણ માત્ર કાગળિયે જ સીમિત રહે છે. લોકોને આ રીતે કોઈ પ્રકારની કાર્યવાહીનો કોઈ ભય નથી રહ્યો, તેથી તેઓ પણ પ્રદૂષણ પ્રતિરોધી ઉપાયોનું પાલન નથી કરતા. આ સ્થિતિ ત્યારે છે, જ્યારે દરેક જણ એનાથી પરિચિત છે કે વાયુ પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે બેહદ ઘાતક સાબિત થઈ રહ્યું છે.

