સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર દિશાનિર્દેશ જારી કરીને એ સુનિશ્ચિત કરવાનું કામ કર્યું કે અતિક્રમણ, ગેરકાયદે નિર્માણની સાથે સાથે અપરાધની વિરુદ્ઘ પણ મનમાફક કાર્યવાહી નહીં થઈ શકે. એવું કરવું જરૂરી હતું, કારણ કે બુલડોઝર કાર્યવાહી અપરાધમાં સંડોવાયેલા તત્ત્વો વિરુદ્ઘ પણ થતી હતી અને એ આધાર પર થતી હતી કે તેમણે પોતાનું મકાન, દુકાન કે અન્ય કોઈ ઇમારત ગેરકાયદે રૂપે બનાવી છે. શાસન-પ્રશાસનને એવી કાર્યવાહી કરવામાં એટલા માટે આસાની થતી હતી, કારણ કે મોટાભાગે લોકો પોતાના મકાનોનું નિર્માણ સ્વીકૃત નક્શા કે નક્કી માપદંડોના હિસાબે નથી કરાવતા. બુલડોઝર કાર્યવાહીને એટલે જ જનતાનું સમર્થન મળતું હતું, કારણ કે તેની એ આકાંક્ષા રહે છે કે અપરાધી તત્ત્વોને જલ્દીથી દંડ મળે. આ જ કારણે બુલડોઝર કાર્યવાહીની ચોમેર પ્રશંસા થતી હતી, પરંતુ તેની અવગણના ન કરી શકાય કે આ પ્રકારની કાર્યવાહીમાં શંકાસ્પદ અપરાધી-આરોપીનાં ઘર-દુકાન ધ્વસ્ત થવાની સજા તેનો પરવાર પણ ભોગવતો હતો. તેથી સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે કોઈ આરોપીની સજા તેના પરિવારને ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીને લઈને જે દિશાનિર્દેશ જારી કર્યા, તેના આધાર પર એ નિષ્કર્ષ પર પણ ન પહોંચી જવું જોઇએ કે ગેરકાયદે નિર્માણ અને દબાણ કરનારાઓ વિરુદ્ઘ બુલડોઝર કાર્યવાહીનો રસ્તો બંધ થવા જઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોથી એ સ્પષ્ટ છે કે અનધિકૃત નિર્માણ વિરુદ્ઘ નોટિસ મોકલવા અને કેસની સુનાવણી કર્યા બાદ બુલડોઝર કાર્યવાહી સંભવ છે. એને કારણે જ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વ્યાખ્યા એ રૂપે પણ કરાઈ રહી છે કે તેનાથી માફિયા તત્ત્વો અને પ્રોફેશનલ અપરાધીઓ પર નિયંત્રણ કરવું આસાન થઈ જશે. જોવાનું છે કે એવું થાય છે કે નહીં? જે પણ હોય, સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર દબાણ હટાવવા અને જમીનો પર કબ્જો રોકવા પર ન પડવી જોઇએ. એ જ રીતે અપરાધી તત્ત્વોનું દુસ્સાહસ પણ ન વધવું જોઇએ. સુપ્રીમ કોર્ટે એ યોગ્ય કહ્યું કે ચુકાદા વિના કોઈને દોષી ન માની લેવામાં આવે અને અપરાધીને દંડ આપવો અદાલતનું કામ છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અદાલતો આ કામ યોગ્ય રીતે કરી શકે છે? સારું થાત કે સુપ્રીમ કોર્ટ એ પ્રશ્ન પર પણ ધ્યાન આપતી, કારણ કે એ કોઇથી છૂપુંં નથી કે અપરાધી અને માફિયા તત્ત્વોને તેમનાં કરતૂતોની સજા ક્યારેક જ મળે છે. મળે છે તો પણ બહુ જ વિલંબથી. બાહુબલી, ધનબલી પ્રકારના કે પછી રાજકીય વગ ધરાવતા અપરાધી તત્ત્વો મામલે આ સૌથી વધુ જોવા મળે છે કે તેઓ પોતાના વિરુદ્ઘ ચાલી રહેલા કેસોને લાંબા ખેંચવામાં સફળ રહે છે. એ પણ બધા જાણે છે કે સંગીન અપરાધમાં સંડોવાયેલા તત્ત્વોને પણ જલ્દી સજા નથી મળી શકતી. આ જ કારણે આમ જનતા બુલડોઝર કાર્યવાહીને ન્યાયની સંજ્ઞા આપે છે. સુપ્રીમ કોર્ટે એ જોવુંં જોઇએ કે બુલડોઝર કાર્યવાહી ‘ન્યાયમાં વિલંબ’ની ઉપજ છે. જો અદાલતો ‘તારીખ પે તારીખ’નો ખેલ ન કરતી હોત અને દરેક અપરાધીને તેના અપરાધ બદલ યથાયોગ્ય સજા વહેલી તકે મળી જતી હોત તો બુલડોઝર કાર્યવાહીની ક્યારેય જરૂર જ ન પડી હોત!

