આ સમયે ભારતીય વિમાન ક્ષેત્રને ડરના આતંકનો સામનો કરવો પડે છે. વિમાનોને બોમ્બથી ઉડાવવાની ખોટી ધમકીઓ અપાઈ રહી છે. ૧૪ ઓક્ટોબરથી અત્યાર સુધી ૯૦ વિમાનોને બનાવટી ધમકી અપાઈ ચૂકી છે. દરેક ધમકીથી એરલાઈન્સને ત્રણ કરોડ રૂપિયાનું નુક્સાન ઉઠાવવું પડે છે. ભારતીય વિમાન ક્ષેત્ર ઝડપથી વધતું ક્ષેત્ર છે, હજારો યાત્રી વિમાન પરિચાલનમાં છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ વિમાન બજાર છે. હવે આ ધમકી રોજ આપવામાં આવે છે, તેમાં વિમાનોની સંખ્યા વધી રહી છે તેથી આ કોઈ માથાફરેલનું જ કામ ન હોઈ શકે. આ એક ચોક્કસ પેટર્ન છે, જેના પર સુનિયોજિત રીતે કામ થઈ રહ્યું છે. એવા જ થોડા દિવસ પહેલાં રોજ કોઈને કોઈ ટ્રેન રૂટને બાધિત કરવામાં આવતો હતો. કેટલીય વખત એવું થયું કે ટ્રેન દુર્ઘટના થતાં થતાં બચી. ભારતીય રેલવે વિશાળ નેટવર્ક છે અને રોજના બે કરોડથી વધુ લોકો ટ્રેનમાં સફર કરે છે, તેથી રેલવે યાત્રીના મનમાં અસુરક્ષાનો ડર પેદા કરીને રેલવેને નુક્સાન પહોંચાડવાની કોશિશો થઈ રહી છે.
પહેલાં રેલવે યાત્રીઓમાં ડર, હવે વિમાન યાત્રીઓમાં ડર. આ ડર એક આતંકવાદ છે, જેનો હેતુ ભારતીય અર્થવ્યવસ્થાને નુક્સાન પહોંચાડવાનો છે. રેલવે અને વિમાન ક્ષેત્રને અસુરિક્ષત કરી દેવાથી એના પર ભારે આર્થિક પ્રભાવ પડશે.ર્ભરતીય સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓને આ ફિયર ટેરરને ગંભીરતાથી લેવો જોઇએ. આ આતંકનું નવું મોડ્યુલ હોઇ શકે છે. વિમાનોને ધમકી પર ગૃહ મંત્રાલયે રિપોર્ટ માગ્યો છે, સરકાર સખ્તાઈની તૈયારી કરી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં વિમાનોને બોમ્બથી ઉડાવવાની ખોટી ધમકીઓ કેન્દ્ર સરકાર માટે મોટો પડકાર બનતી જાય છે. તાત્કાલિક એક્શનથી કંઇ ખાસ પ્રાપ્ત નહીં થાય. સરકારે તેના મૂળ સુધી જવું પડશે. શું આ દેશની અંદર કોઈ પ્રતિબંધિત ગ્રુપની સુનિયોજિત ચાલ તો નથી ને? શું તેમાં દુશ્મન પડોશી દેશોની ગુપ્તચર એજન્સીઓનો હાથ તો નથી ને?
દેશની અંદર પણ કેટલાય વિધ્વંસક, અલગતાવાદી, આતંકી, નક્સલવાદી, ઉગ્રવાદી તાકાતો છે, જે દુશ્મન દેશોની કઠપૂતળીઓ છે અને થોડા ટુકડા માટે પોતાના દેશને અસ્થિર કરવા તૈયાર થઈ જાયછે. સરકારે દરેક એંગલથી તપાસ કરવી જોઇએ. ભારતીય રેલવે અને વિમાન ક્ષેત્ર દુશ્મનોના નિશાના પર છે. વિમાન અને રેલ યાત્રાનું સુરિક્ષત હોવું જરૂરી છે. તે ભારતની લાઇફ લાઈન છે.દ્વડાપ્રધાને હાલમાં જ પાંચ રાજ્યોના સાત એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. સરકાર મેટ્રો શહેરોની સાથે ટિયર ટુ અને થ્રી શ્રેણીના શહેરોમાં પણ વિમાન સેવાનો વિસ્તાર કરી રહી છે. પરિવહનના વિભિન્ન ક્ષેત્રને ઉત્તેજન આપીને કનેક્ટિવિટીને તેજ અને મજબૂત બનાવવામાં આવે છે. તેના માટે સુરક્ષાનો માહોલ બહુ જરૂરી છે. વિમાનમાં બોમ્બ હોવાની ખોટી ધમકીઓને હળવાશથી ન લેવી જોઇએ, તેની પેટર્ન સમજવી જોઇએ અને તેની પાછળના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવો જોઇએ. સરકાર પાસે તમામ પ્રકારનાં સુરક્ષા અને તપાસ તંત્ર છે. ઇઝરાયલ સાથે બહેતર સંબંધને કારણે પણ ભારત ઇઝરાયલ વિરોધી આતંકી જૂથોના નિશાના પર રહે છે. જે માત્રામાં ધમકીઓ મળી રહી છે, આપાત લેન્ડિંગ થઈ રહ્યાં છે, તેમાં મુસાફરો અને વિમાન કર્મીઓમાં અસુરક્ષાનો ભાવ પેદા થવો સ્વાભાવિક છે, કારણ કે આવી ધમકી આપનારા પકડાયા નથી, જેનાથી તેની પાછળનો હેતુ ખબર પડે. રેલવે અને વિમાન યાત્રાને સુરિક્ષત બનાવવી સરકારની પહેલી જવાબદારી છે.

