સમય સાથે બદલાવું એ સમયની માંગ છે, તો એ જ પ્રગતિનો આધાર પણ છે. કોઈ પણ વિચાર કે રીતિ-નીતિ, દેશ-કાળ અને પરિસ્થિતિને અનુરૃપ અપનાવવાનાં રહે. હાલમાં આવેલ સુપ્રીમના ત્રણે ચુકાદાઓ ભૂતકાળને જ નહીં, ભવિષ્યને પણ લક્ષ્ય કરે છે. બંધારણને આગળ કરીને કોઈ પણ સરકાર જનહિતને નામે ખાનગી મિલકત પોતાના કબજામાં લઈ શકે કે કેમ એ અંગે અગાઉના ચુકાદામાં સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિને જનહિતને નામે કબજે લઈ શકે, એવું હતું, પણ એ ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિની વડપણ હેઠળની બેન્ચે પલટાવ્યો છે. આ ચુકાદો ઐતિહાસિક છે અને સમાજવાદી વિચારને તેણે આયનો પણ બતાવ્યો છે. સુપ્રીમનો આ ચુકાદો સમાજવાદી અને વામપંથી વિચારકોને આંચકો આપનારો પણ છે, જે એમ માને છે કે ગરીબી અને અસમાનતા ત્યારે જ દૂર થઈ શકે જો સરકાર સંપત્તિનું વિતરણ કરવામાં સક્ષમ હોય અને એને એ અધિકાર હોય કે તે કોઇની પણ સંપત્તિ કબજે લઈ શકે છે. પોતાના ચુકાદાથી સુપ્રીમે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય શાસન વ્યવસ્થામાં સમાજવાદી રીત-રસમો અપનવવાનું જે કામ થયું તે નિરર્થક હતું. દુનિયાનો અનુભવ તો એ જ કહે છે કે જે દેશોએ લોકોની ભલાઈ માટે આત્યંતિક સમાજવાદી વિચારસરણી અપનાવી તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો. એ ખરું કે સરકારો કેટલાક કિસ્સાઓમાં ખાનગી સંપત્તિઓ માટે દાવો કરી શકે, પણ દરેક ખાનગી સંપત્તિ માટે દાવો કરીને સરકાર તે સંપત્તિ આંચકી શકે નહીં એવું સુપ્રીમના આ નવા ચુકાદામાં છે.
સુપ્રીમના ૯ ન્યાયમૂર્તિઓની પીઠે ૭ વિરુદ્ધ ૨ની બહુમતીથી ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે એ જણાવ્યું કે બહુમતીએ ૧૯૭૮ના જસ્ટિસ કૃષ્ણા ઐયરના ચુકાદાને રદ ઠેરવ્યો છે, જેમાં જણાવાયું હતું કે જનહિત માટે સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિ પોતાના કબજામાં લઈ શકે છે એ ચુકાદામાં ત્રુટિ હતી. એ ચુકાદો ખાનગી મિલકત પર સરકારનાં નિયંત્રણની તરફેણ કરતો હતો. એ ખરું કે જૂનું શાસન આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતું, પણ છેલ્લા ત્રણેક દાયકામાં ગતિશીલ આર્થિક નીતિથી ભારત ઝડપી અર્થવ્યવસ્થા બન્યું છે. આ ચુકાદા પછી સરકાર રિવ્યૂમાં જાય તો તેણે નવી પીઠનો સામનો કરવાનો થશે, કારણ મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ હવે નિવૃત્ત થયા છે. આ ચુકાદાના કેટલાંક પાસાંઓ માટે જે ખાસ ચર્ચા થઈ રહી છે તેમાં મુખ્ય બાબત એ છે કે આ ચુકાદો સરકારના અધિકારોને નિયંત્રિત કરે છે. કોર્ટનું કામ એ જોવાનું પણ કહેવાય છે કે દેશમાં એક આર્થિક લોકતંત્ર સક્રિય હોય. ખાનગી સંપત્તિઓ એ કોઈ ભૌતિક સંસાધનો નથી અને તેને આધારે સરકાર બળજબરીથી તેનો કબજો લઈ શકે નહીં. બંધારણની કલમ ૩૯(બી) સામુદાયિક સંપત્તિને જાહેર હિતોમાં વિતરણની વાત કરે છે. એનો અર્થ એવો નથી કે બધી જ ખાનગી સંપત્તિઓ સામુદાયિક સંપત્તિ તરીકે જોઈ શકાય. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિએ વધુ ફોડ પાડતા જણાવ્યું છે કે ખાનગી સંપત્તિ સાથે સંકળાયેલી ૧૬ અરજીઓ પર સુપ્રીમે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી હવે એ શંકા પણ ન રહેવી જોઈએ કે શું સામુદાયિક સંપત્તિમાં જશે ને શું નહીં?
જેમાંનો બીજો એક એ છે કે સુપ્રીમે, યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટને માન્ય રાખીને સ્પષ્ટ કર્યું છે કે યુપીમાં ૧૬૦૦૦ મદરેસાઓમાં ભણતા ૧૭ લાખ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં મોકલવામાં નહીં આવે. સાથે જ સુપ્રીમે એ પણ જણાવ્યું છે કે મદરેસા એકટની જોગવાઇઓ મૂળભૂત અધિકારો કે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી. જોકે, સુપ્રીમ કોર્ટે એ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પીજી અને સંશોધનનો અભ્યાસક્રમ નક્કી કરવાનો અધિકાર હતો. એ અધિકાર મદરેસા બોર્ડને રહેશે નહીં ને તે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસક્રમ કે પુસ્તકો નક્કી કરી શકશે નહીં. આ પ્રતિબંધ અનેક શંકા-કુશંકાઓનું નિવારણ કરે એવો છે.

