હાલમાં આપણી સુરક્ષા એજન્સીઓ એક પછી એક પડકારો સામે ઝઝૂમી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં મજૂરોની શિબિર પર આતંકીઓ હુમલો કરે છે, તો દિલ્હીમાં એક સ્કૂલની દીવાલ પાસે આઇઇડી વિસ્ફોટ થાય છે. વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ તો રોજની થઈ પડી છે, અલબત્ત વિદેશી જમીન પર બેઠેલો એક ખાલિસ્તાની આતંકી ભારતીયોને ૧ થી ૧૦ નવેમ્બર વચ્ચે એર ઇન્ડિયાના વિમાનથી મુસાફરી નહિ કરવાની ચેતવણી આપે છે. ઉપરછલ્લી રીતે જોઇએ તો કોઇપણ તેનાથી ડરી જાય, પરંતુ વ્યાપકતામાં જો વિશ્લેષણ કરીએ તો આપણને રાહતનો જ અનુભવ થશે. ગાંદરબલની ઘટનાને ઉમેરી લઈએ, તો પણ આ વર્ષે જમ્મુ-કાશ્મીરની ૪૮ ઘટનાઓમાં કુલ ૧૦૨ લોકોના જીવ ગયા છે. તેમાંથી ૫૨ આતંકવાદીઓ છે. જ્યારે ગયા વર્ષે એવી ૭૨ ઘટનાઓમાં ૮૭ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. બેશક, નાગરિકોની હત્યાની ઘટનાઓ વધી છે અને ગયા વર્ષના ૧૨ના મુકાબલે આ વખતે ૨૬ નાગરિકોનાં મોત થઈ ચૂક્યાં છે, પરંતુ ૨૦૨૨માં ૩૦, તો ૨૦૨૧માં ૩૬ લોકોના જીવ ગયા હતા. બહારના મજૂરો પર હુમલાની આ કોઈ નવી પ્રવૃત્તિ નથી. તેથી સમગ્રતામાં આ આંકડા ઘટતા જ દેખાઈ રહ્યા છે.
કંઇક આવી જ વાત દિલ્હી વિસ્ફોટને લઈને કહી શકાય. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૧ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં આ પહેલો વિસ્ફોટ છે. દિલ્હી હાઇકોર્ટની બહાર થયેલ એ વિસ્ફોટમાં ૧૫ લોકો માર્યા ગયા હતા અને ૭૫થી વધુ ઘાયલ થયા હતા. જ્યારે રવિવારની સવારે દિલ્હીના રોહિણી સેક્ટર-૧૪માંજે વિસ્ફોટ થયો તેમાં આસપાસની કેટલીક ઇમારતોના કાચ તૂટી ગયા, જ્યારે સડક કિનારે ઊભેલી કેટલીક ગાડીઓને નુક્સાન થયું. આ મધ્યમ તીવ્રતાનો વિસ્ફોટ હતો અને તપાસ એજન્સીઓ તાત્કાલિક કામે લાગી ગઈ. ભલે અત્યાર સુધી ખબર નથી પડી કે તેની પાછળ કોણ છે, પરંતુ એ ચોક્કસ ખબર છે કે દિલ્હીને ધ્રુજાવવાના પ્રયાસો અવિરત ચાલુ છે. શંકાના દાયરામાં બધા જ છે- ચાહે તે જમ્મુ-કાશ્મીરના આતંકીઓ હોય કે ખાલિસ્તાની આતંકી કે પછી કેટલાક ગેંગસ્ટર કે ઇસ્લામિક સ્ટેટ કે અલ-કાયદા સમર્થત સ્થાનિક સમૂહ હોય કે પછી પીએફઆઇ સાથે જોડાયેલાં તત્ત્વો. સોશ્યલ મીડિયા પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના નારા સાથે આ ઘટનાની જવાબદારી લેવામાં આવી છે, પરંતુ આ દાવાની પુષ્ટિ હજુ બાકી છે. તપાસના પરિણામો પર પહોંચતાં જ આપણને ગુનેગારની ખબર પડી જશે, ત્યાં સુધી કોઈ પ્રકારની અટકળોથી બચવું જોઇએ.
વાસ્તવમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં સુરક્ષાના મોરચે આપણને ઘણી સફળતા મળી છે. ૨૦૦૧માં આખા દેશમાં ૨૮૦૨ આતંકી ઘટનાઓમાં ૫૫૦૪ લોકોના જીવ ગયા હતા. તેમાં જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર, માઓવાદી, ઇસ્લામી આતંકવાદ વગેરે તમામ પડકારો સામેલ છે. આ લોકોમાં ૧૫૦૮ નાગરિકો સામેલ હતા, તો ૮૮૩ સુરક્ષાદળોના જવાન. આતંકીઓની સંખ્યા ૩૦૦૫ હતી. ગયા વર્ષે આવી ઘટનાઓની સંખ્યા ઘટીને ૨૭૮ થઈ ગઈ, જેમાં કુલ ૧૫૦ નાગરિકો સહિત ૪૬૭ લોકો માર્યા ગયા. ૮૨ સુરક્ષા દળના લોકો પણ માર્યા ગયા, જ્યારે ૨૨૯ આતંકીઓને ઢેર કરી દેવામાં આવ્યા. હા, ૨૦૨૪માં અત્યાર સુધી ૪૯૯ લોકો આતંકી ઘટનાઓમાં માર્યા ગયા છે, તેમાં નાગરિકોની સંખ્યા ૧૨૩ છે. દેખીતું છે, કોઈ વર્ષ આંકડામાં ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ તેને વધારે મહત્ત્વ ન આપવું જોઇએ. આતંકી ઘટનાઓની દૃષ્ટિએ જે સૌથી ખરાબ દોર હતો, જેમાં ૧૫૦૦ થી વધુ નાગરિકો માર્યા જતા હતા, તે વીતી ગયો છે. હવે આ આંકડો ઘટીને ૧૫૦ સુધી આવી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તો જમ્મુ-કાશ્મીરની બહાર ઇસ્લામિક આતંકવાદની ઘટનાઓમાં ત્રણ વર્ષ એવાં છે, જેમાં કોઈ સામાન્ય નાગરિક હતાહત થવાના સમાચાર નથી આવ્યા. ૨૦૨૦માં એક અને ૨૦૨૨માં ત્રણ નાગરિકો એવી ઘટનાઓમાં માર્યા ગયા હતા.

