New Delhi, તા.20
દિલ્હીને પ્રદુષણ મુક્ત કરવા માટે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીમાં કૃત્રિમ વરસાદની માંગણી કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રદુષણને લઈને કેન્દ્ર સરકારે જલદી બેઠક કરવી જોઈએ. વડાપ્રધાને પણ આ મામલામાં દખલ દેવી જોઈએ. બીજી બાજુ દિલ્હીના ભાજપ એકમે લોકોને પ્રદુષણથી બચાવવા માસ્કની વહેંચણી કરી છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીને પ્રદુષણ મુક્ત કરાવવા માટે કૃત્રિમ વર્ષા કરાવવા કેન્દ્રને ચાર-ચાર પત્રો લખ્યા છે. આ મામલે કેન્દ્રે ઈમરજન્સી બેઠક બોલાવવી જોઈએ. તેમાં આઈઆઈટી કાનપુરના નિષ્ણાંતને બોલાવવા જોઈએ.
ગોપાલરાયે જણાવ્યું હતું કે કેન્દ્રને લખેલા પત્રોનો કોઈ જવાબ નથી આવ્યો. ત્યારબાદ એક ઓનલાઈન મિટીંગ પણ બોલાવાઈ હતી. અત્યારે મેડીકલ ઈમરજન્સીની સ્થિતિ બનેલી છે. દુનિયામાં ઘણી જગ્યાએ કૃત્રિમ વરસાદ કરીને પરીસ્થિતિ બહેતર બનાવાઈ છે. આજે ભાજપની સરકાર બસ (બે હાથ જોડીને) બેઠી છે.
કેન્દ્ર સરકાર પાસે આ મામલે બેઠક કરવાનો કોઈ સમય નથી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી એકપણ બેઠક બોલાવી શકયા નથી. ગોપાલ રાયે જણાવ્યું હતું કે કૃત્રિમ વર્ષાના ખર્ચ માટે અમારી પાસે ફંડ છે. જયાં સુધી આપણે ધુમ્મસના મોટા પડને નહીં તોડીએ, દિલ્હીને ત્યાં સુધી પ્રદુષણથી રાહત નહીં મળે. ધુમ્મસને હવા અથવા વરસાદથી તોડી શકાય છે. કૃત્રિમ વર્ષા માટે પાર્ટી ફંડ આપવા પણ તૈયાર છે.
પ્રદુષણ મામલે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે આતિશી ખોટુ બોલવાનું બંધ કરે.

