New Delhi,તા.૨૮
એક મોટી સફળતામાં, ભારતીય નૌકાદળે કે-૪ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. નોંધનીય છે કે કે-૪ મિસાઇલનું આ પરીક્ષણ ન્યુક્લિયર સબમરીન આઇએનએસ અરિઘાટથી કરવામાં આવ્યું હતું, જે તાજેતરમાં નેવીમાં સામેલ થઈ હતી. પરમાણુ સબમરીન આઇએનએસ અરિઘાટ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ દ્વારા સંચાલિત છે.
કે-૪ બેલેસ્ટિક મિસાઈલની રેન્જ ૩૫૦૦ કિમી છે. તેનાથી નેવીની તાકાતમાં જબરદસ્ત વધારો થશે.આઇએનએસ અરિઘાટ એક સમયે ૧૨ કે-૧૫, ચાર કે-૪ અને ૩૦ ટોર્પિડોથી સજ્જ થઈ શકે છે. સબમરીનમાંથી કે-૪ બેલેસ્ટિક મિસાઈલનું આ પ્રથમ સફળ પરીક્ષણ છે. અધિકારીઓ સૈન્ય અને રાજકીય નેતૃત્વને પરીક્ષણ અંગે વિગતવાર માહિતી આપશે.
રિપોર્ટ્સ અનુસાર, આ પરીક્ષણ ભારતની પરમાણુ ક્ષમતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હવે ભારત સમુદ્રથી પણ લાંબા અંતર પર પરમાણુ હુમલા કરવા સક્ષમ બની ગયું છે. નૌકાદળ દ્વારા કે-૪ બેલેસ્ટિક મિસાઈલના સફળ પરીક્ષણ બાદ હવે ચીનનો મોટા ભાગનો વિસ્તાર ભારતના પરમાણુ હથિયારોના રડાર હેઠળ આવી ગયો છે. નેવીએ આ મિસાઈલનું બંગાળની ખાડીમાં પરીક્ષણ કર્યું હતું. ભારતની પ્રથમ પરમાણુ સબમરીન,આઇએનએસ અરિહંત,કે-૧૫ મિસાઇલોથી સજ્જ છે, પરંતુ તેની રેન્જ માત્ર ૭૫૦ કિલોમીટર છે. હવે આઇએનએસ અરિઘાટથી કે-૪ મિસાઈલના સફળ પરીક્ષણથી ચીન સામે ભારતની તાકાત વધી ગઈ છે.
આવતા વર્ષે બીજી પરમાણુ સબમરીન આઇએનએસ અરિદમેનને પણ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.નોંધનીય છે કે કે-૫ બેલેસ્ટિક મિસાઈલની રેન્જ તેનાથી પણ વધુ એટલે કે ૫૦૦૦ કિલોમીટર સુધીની છે. સબમરીનથી પરમાણુ હથિયારોથી હુમલો કરનાર ચીન પછી ભારત એશિયાનો બીજો દેશ બની ગયો છે.

