‘‘પ્રકૃતિ સંરક્ષણ સાથે લોકોને તંદુરસ્તીની ભેટ આપવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ’’:જાડેજા
પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત મગફળી, તલ, ઘઉં, જુવાર, મરચું, સરગવો સહિતની વસ્તુઓમાં ખર્ચ ઓછો અને ફાયદો દોઢ ગણો
આજે વાત કરીએ લોધિકા તાલુકાના રાવકી ગામના રહેવાસી ધરતીપુત્ર કૃષ્ણસિંહ જાડેજાની….જેઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચતત્વો પ્રત્યેની જવાબદારીને જીવનમાં ઉતારી કૃષિ કરે છે. તેમના માટે ધરતી, ગાય તથા પ્રકૃતિ માતા સમાન છે.
૪૪ વર્ષીય જાડેજાભાઈ સરકારી નોકરીમાં જવાને બદલે પોતાના પિતાની વાત માનીને ખેતીને વ્યવસાય બનાવીને સંતોષકારક જીવન જીવે છે. તેઓનું માનવું છે કે, ’ ’ ઋગ્વેદમાં કહેવાયું છે કે, ગાય માતાની જેમ પાલન પોષણ કરે છે જેથી તે વિશ્વ માતા તરીકે ઓળખાય છે. યજુર્વેદમાં ગાયને અનેક ગુણોવાળી કહેવામાં આવી છે. ખેડૂતપુત્ર જાડેજાભાઈ પાસે ૧૮ દેશી ગાયો છે, જેનાથી છાણ, મૂત્ર અને છાશ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને તેઓ ઘનામૃત, જીવામૃત, બેક્ટેરિયા અને અન્ય અર્ક બનાવીને ખુબ ઓછા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરે છે. ઉપરાંત, દૂધાળી ગાયોના દૂધમાંથી દહીં, છાશ અને ચોખ્ખું ઘી મેળવી તેનું વેચાણ કરે છે, જે તેઓને આર્થીક રીતે પણ ફાયદો આપે છે. શ્રી જાડેજાભાઈએ ગાયોના રહેવા માટે સુંદર ગૌશાળા બનાવી છે.
કૃષ્ણસિંહ જાડેજાએ પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને હળદર સાથે સરગવો, તરબૂચ સાથે ટામેટા, ટામેટા સાથે ઘીસોડા અને મરચી સાથે ગલગોટાના ફૂલ વાવ્યા છે. તેઓએ રેવા જાતના લાલ મરચાના વાવેતર સાથે ગલગોટાના ફૂલો પણ ઉગાડ્યા છે. કૃષિ સાથે આધ્યાત્મિકતાને જોડતા જાડેજાનું માનવું છે કે, ‘‘સુગંધિમ પુષ્ટિવર્ધનમ‘‘ એટલે કે, ફૂલોની સુગંધથી ખેતરનું વાતાવરણ એકદમ ખુશ્બુદાર અને સકારાત્મક બને છે. તેઓ ગલગોટાના ફૂલો મંદિર અને પૂજા માટે વિનામુલ્યે ગ્રામવાસીઓને આપે છે.
તેમનું કહેવું છે કે, હળદરનો પાક થોડાં છાયા સાથે વિકસતો હોવાથી સાથે સરગવો વાવી, યોગ્ય માવજત કરી અને બાકીનું પ્રકૃતિ પર છોડી દઈએ તો પાકમાં ધાર્યા કરતા વધારે ઉત્પાદન મળે છે. અને આ ઉપરાંત, તેઓનો મુખ્ય ઉદેશ્ય ‘‘ફાર્મર ટુ ફેમીલી’’ એટલે કે લોકો સુધી સારા ધાન, ફળો અને શાકભાજી મળે તો લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક પૂરું પાડી ‘‘ઝીરો કેન્સર’’ અભિયાનને સાર્થક કરવાનો છે. શ્રી જાડેજાભાઈના જણાવ્યા મુજબ, લોકો જંકફૂડના સ્થાને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓ તરફ વળે તેવો અભિગમ કેળવવો જોઈએ. રાસાયણિક ખેતીના પ્રમાણમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત મગફળી, તલ, ઘઉં, જુવાર, મરચું, સરગવો સહિતની વસ્તુઓ ખુબ જ ઓછા ખર્ચે અને દોઢ ગણો ફાયદો કરાવે છે.
આ ઉપરાંત, કૃષ્ણસિંહ જાડેજા રાજ્યભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અપીલ કરતાં જણાવે છે કે, દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, જે શરૂઆતમાં ધીરજ માંગી લે છે. પરંતુ, ઘનામૃત અને જીવામૃતના ઉપયોગથી જેમ જેમ જમીન ફળદ્રુપ બને છે તેમ તેમ મબલક પાક મળે છે. ઉપરાંત અળસિયા જમીનમાં જળ સંચયનું કામ કરતા હોવાથી પાકને યોગ્ય પોષણ મળી રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી અતિશય ખર્ચાળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેનાથી કેન્સર જેવા રોગો થાય છે. પરંતુ ગાય આધારિત ખેતી ઓછી ખર્ચાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેથી તંદુરસ્તી માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ તે હિતાવહ છે.

