ઇન્ટરનેશનલ મીડિયામાં છપાયેલી આ પ્રકારની હેડલાઇન આંખ સામે આવે એટલે એક વાર તો હૃદય ધબકારો લેતા ચુકી જાય. રસલ ક્રો આપણા સૌના માનીતો એક્ટર છે. આ ઓસ્કરવિનર અભિનેતાની ‘ગ્લેડિયેટર’, ‘એલ.એ. કોન્ફિડેન્શિયલ’, ‘ધ ઇનસાઇડ’ ‘સિન્ડ્રેલા મેન’, ‘લા મિઝરાબલ’ જેવી ફિલ્મો આપણે ખૂબ માણી છે. ગયા એક જ વર્ષમાં આપણા અક્ષયકુમારની જેમ એમની ચચ્ચાર ફિલ્મો રિલીઝ થઈ – ‘સ્લીપિંગ ડોગ્સ’, ‘ધ એક્સોર્સિઝમ’, ‘ગ્લેડિયેટર-ટુ’ અને ‘ક્રેવેન ધ હન્ટર’. તકલીફ એ થઈ ગઈ કે આ ચાર પૈકીની એકેય ફિલ્મ ધાર્યો તરખાટ મચાવી શકી નથી. જેની પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ હતી તે ‘ગ્લેડિયર-ટુ’ પ્રથમ ભાગની તુલનામાં તો મોળી જ સાબિત થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રસલ ક્રોનો સિનેમેટિક જાદુ મંદ પડી ગયો હોય તેવી છાપ ૨૦૨૪માં રિલીઝ થયેલી એમની ફિલ્મોને કારણે વધારે દઢ બની છે.
ખેર, આજે આપણે રસલ ક્રોની એક એવી ફિલ્મને યાદ કરવી છે, જેના પ્રેમમાં આપણે સૌ છીએ – ‘અ બ્યુટીફુલ માઇન્ડ’. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ રિલીઝ થઈ હતી. એટલે કે હજુ થોડા દિવસો પહેલાં જ આ ફિલ્મ ૨૩ વર્ષ પૂરાં કરીને ૨૪મા વર્ષમાં પ્રવેશી છે અને બબ્બે દાયકા પછી પણ તે રિલેવન્ટ લાગે છે. આજે સ્કૂલે જતું ટાબરિયું પણ મેન્ટલ હેલ્થ વિશે વાતો કરતું હોય છે, પણ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે એટલી બધી જાગૃતિ નહોતી. અલબત્ત, આ ફિલ્મનો ઉદ્દેશ કંઈ મેન્ટલ હેલ્થ વિશે જાણકારી ફેલાવવાનો નથી. ‘અ બ્યુટીફુલ માઇન્ડ’ એક બાયોપિક છે, જેમાં જોન નેશ નામના મહાન ગણિતશાસ્ત્રીના જીવનની કથા એવી રીતે પેશ કરવામાં આવી છે કે પ્રેક્ષકના દિલના તાર ઝણઝણાવી ઉઠે, એનામાં નવી શક્તિનો સંચાર કરી દે. ફિલ્મની કહાણી ટૂંકમાં જાણી લઈએ.
યુવાન જોન નેશ (રસલ ક્રો) અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવસટીમાં એ ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. અહીં એણે હોસ્ટેલમાં રહેવાનું છે. એને સીંગલ-સીટેડ રૂમ મળશે તેમ કહેવામાં આવ્યું હતું, પણ એને ખબર પડે છે કે આ તો ડબલ-સીટેડ રૂમ છે. ચાર્લ્સ (પોલ બેટની) નામનો એક વિદ્યાર્થી અહીં ઓલરેડી રહે છે. આ રૂમમેટ સાથે જોનને પાક્કી ભાઈબંધી થઈ જાય છે. પ્રિન્સ્ટનમાં ભણી લીધા પછી જોનને પ્રતિતિ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં જોબ મળી જાય છે. અહીં એલિશિયા (જેનિફર કોલેની) નામની પોતાની એક સુંદર વિદ્યાથનીના પ્રેમમાં પડી તેને પરણી જાય છે.
એક વાર જોન પ્રિન્સ્ટન યુનિવસટીની મુલાકાતે જાય છે. અહીં એનો ભેટો પોતાના જૂના રૂમમેટ ચાર્લ્સ સાથે થઈ જાય છે. ચાર્લ્સની સાથે એની દસેક વર્ષની રૂપકડી ભાણેજ માર્સી પણ છે. જોન ઓર એક માણસને મળે છે. વિલિયમ પાર્ચર (એડ હેરિસ) એનું નામ. એ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનો સિક્રેટ એજન્ટ છે. જોનને એ દુશ્મન દેશનાં ગુપ્ત કોડ ઉકેલનાર ક્રિપ્ટોલોજિસ્ટ તરીકે કામ કરવાનું આમંત્રણ આપે છે. આ અસાઈન્મેન્ટ ખાસ્સું જોખમી છે. રશિયનોએ ખતરનાક કાવતરું ઘડયું છે, જેના ગુપ્ત સંકેતો છાપાં-મેેગેઝિનોમાં છપાયેલાં લેખો અને તસવીરોમાં સંતાયેલા છે. જોને એમાંથી કોડવર્ડની જેમ ગુપ્ત પેટર્ન શોધી કાઢવાની છે. કમનસીબે રશિયન એજન્ટ્સને ખબર પડતાં જ તેઓ હાથ ધોઈને જોનની પાછળ પડી જાય છે. સિક્રેટ મિશન છે એટલે એલિશિયા સાથે જોને કશું શેર કર્યું નથી. જોન પોતાના ઘરમાં પણ ડરતો-ફફડતો રહે છે. એને સતત લાગતું રહે છે કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, એના પર નજર રાખી રહ્યું છે. જોનનું વર્તન એટલું બધું વિચિત્ર બનતું જાય છે કે એેલિશિયાએ મનોચિકિત્સકોની મદદ લેવી પડે છે.
લાંબી, પીડાદાયી ટ્રીટમેન્ટ પછી શું તારણ નીકળે છે? એ જ કે જોનને સ્કિઝોફ્રેનિયા નામનો ગંભીર માનસિક રોગ લાગુ પડયો છે. એજન્ટ વિલિયમ, સિક્રેટ મિશન, રશિયનોનું કાવતરું એવું કશું છે જ નહીં. જેને એ પોતાનો રૂમમેટ માને છે તે ચાર્લ્સ અને એની નાનકડી ભાણી પણ કાલ્પનિક છે. આ સઘળું એના દિમાગે રચેલી માયાજાળ છે! મનના આ ભૂત સામે શી રીતે લડવું? લાંબા સંઘર્ષને અંતે જોન ઉપાય શોધી કાઢે છે કે પેલાં કાલ્પનિક પાત્રો હવે દેખાશે તો પણ એના તરફ હું ધ્યાન નહીં આપું, તેમની સંપૂર્ણ અવગણના કરીશ અને આ રીતે મારા મનની માંદગીને પોષણ આપવાનું બંધ કરીશ. બહુ કપરૂં છે આમ કરવું, પણ જોને મક્કમ નિર્ધાર કરી લીધો છે. જોન ગણિત ભણાવવાનું પુનઃ શરુ કરે છે. ગેમ થિયરી અને પાશયલ ડિફરન્શિયલ ઈક્વેશન જેવા જટિલ વિષય પર રીસર્ચ કરે છે. પેલા કાલ્પનિક માણસો એને વચ્ચે વચ્ચે દેખાતા રહે છે, પણ જોન પોતાનું મનોબળ અકબંધ રાખે છે. એ પોતાના કામમાં એટલો માહિર પૂરવાર થાય છે કે એને આખરે ઈકોનોમિક સાયન્સિસનું નોબલ પ્રાઈઝ એનાયત થાય છે! સિદ્ધિ અને સંતોષના બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.
અસલી જોન નેશના જિંદગી પર સિલ્વિયા નેસર નામની લેખિકાએ ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેના પરથી આ ફિલ્મ બની છે. રોન હાવર્ડને ફિલ્મનું ડિરેક્શન સોંપવામાં આવ્યું. ગજબની સ્ક્રિપ્ટ છે (લેખકઃ અકિવા ગોલ્ડ્સમેન) અને કમાલનો અભિનય કર્યો છે રસલ ક્રોએ. એ વાત અલગ છે કે બેસ્ટ સપોટગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ એની પત્ની બનતી જેનિફર કોનેલીને મળ્યો. આ સિવાય પણ ફિલ્મને બીજા ત્રણ ઓસ્કર અવોર્ડ્ઝ મળ્યા – બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે. ફિલ્મ ખૂબ વખણાઈ અને સરસ ચાલી. હીરો ગણિતજ્ઞા હોય અને એને પાછો માનસિક બીમાર હોય – આ વિષય સાંભળવામાં ભલે ભારેખમ લાગે, પણ ફિલ્મ અત્યંત ગતિશીલ અને હૃદયસ્પર્શી બની છે. એક ક્ષણ માટે પણ તે ઢીલી પડયા વગર ઓડિયન્સને સતત જકડી રાખે છે.
‘અ બ્યુટીફુલ માઈન્ડ’ અમેઝોન પ્રાઇમ વીડિયો પર અવેલેબલ છે. ખુદની નબળાઈઓ સતાવ્યા કરતી હોય, મનોબળ ઢીલું પડી જતું અનુભવાતું હોય ત્યારે આ ફિલ્મ જોઈ લેવી. ભીતર જાણે શક્તિનો સંચાર થઈ ગયો હોય એવી લાગણી જાગશે. બહુ ઓછી ફિલ્મોમાં આ પ્રકારની તાકાત હોય છે!

