બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઇ,જબ દિલ ખોજા અપના તો મુજસા બુરા ન કોઇ
સંત કબીરજીએ કહ્યું છે કે “બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલિયા કોય,જબ દિલ ખોજા અપના તો મુજસા બુરા ન કોઇ..” એક ગુરૂકૂળના આચાર્ય પોતાના એક શિષ્યની સેવાથી ઘણા જ પ્રભાવિત થતાં વિદ્યા પૂર્ણ થયા બાદ જ્યારે શિષ્ય વિદાય લે છે ત્યારે ગુરૂ તેને આર્શિવાદના રૂપમાં એક દર્પણ આપે છે.આ દર્પણ કોઇ સામાન્ય દર્પણ નહોતું.આ દિવ્ય દર્પણમાં કોઇપણ વ્યક્તિના મનના ભાવ જોઇ શકાતા હતા.ગુરૂના આ આર્શિવાદથી શિષ્ય અતિ પ્રસન્ન થાય છે.શિષ્યએ વિચાર્યું કે ગુરૂદેવ પાસેથી જતાં પહેલાં આ દિવ્ય દર્પણની પરીક્ષા કરી લેવી જોઇએ તેથી તેને ઉતાવળમાં તે દર્પણને પોતાના ગુરૂની સામે ધર્યું.શિષ્યને ઘણી નવાઇ લાગી કે આ દર્પણ બતાવી રહ્યું છે કે ગુરૂજીના હ્રદયમાં મોહ-અહંકાર ક્રોધ વગેરે અનેક દુર્ગુણો સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.મારા આદર્શ મારા ગુરૂજીમાં આટલા બધા અવગુણો ભરેલા છે..! આમ વિચારીને તે ઘણો દુઃખી થાય છે. દુઃખી મનથી તે દર્પણ લઇને ગુરૂકૂળથી ઘેર જવા રવાના થાય છે પરંતુ સમગ્ર રસ્તે તેના મનમાં એક જ વિચાર ચાલ્યા કરે છે કે હું જેને દુર્ગુણોથી રહિત એક આદર્શ પુરૂષ સમજતો હતો પરંતુ દર્પણ તો બીજું કંઇક જુદું જ બતાવે છે.
શિષ્યના હાથમાં બીજાઓની પરીક્ષા કરવાનું યંત્ર હાથમાં આવી ગયું હતું એટલે તેને જે કોઇ મળે તેની પરીક્ષા કરતો હતો.તેને પોતાના અનેક ઇષ્ટમિત્રો અને અન્ય પરીચિતો સગા-વહાલાઓની સામે દર્પણ રાખીને તેમની પરીક્ષા કરી.તમામના હ્રદયમાં તેને કોઇને કોઇ દુર્ગુણ જોવા મળતો હતો.
શિષ્યને જે અનુભવ થતો હતો તેનાથી તે દુઃખી થતો હતો.તે વિચારતો હતો કે સંસારમાં તમામ લોકો આટલા ખરાબ કેમ બની ગયા હશે? બધા જ લોકો બેવડા મનવાળા બની ગયા છે,આ લોકો જે દેખાય છે તેવા નથી.આવા નિરાશાજનક વિચારોથી દુઃખી થઇને તે પોતાના ઘેર પહોંચે છે.તેને પોતાના માતા-પિતા વિશે વિચાર આવે છે.તેના પિતાની સમાજમાં ઘણી પ્રતિષ્ઠા હતી,તેની માતા સાક્ષાત દેવતુલ્ય હતાં જેથી તેમની પરીક્ષા કરવાનો વિચાર આવે છે તેથી તે દર્પણને પોતાના માતાપિનાની સામે રાખે છે. તેને દર્પણમાં પોતાના માતા-પિતામાં પણ અનેક દુર્ગુણો દેખાય છે.હવે તેના મનમાં ઘણી જ બેચેની થતાં દર્પણ લઇને ગુરૂજીને મળવા પહોંચી જાય છે.
શિષ્યની બેચૈની જોઇને ગુરૂજીને તમામ વાતનો અંદાજ આવી જાય છે.શિષ્યે ગુરૂજીને નમ્રતાપૂર્વક કહ્યું કે કે ગુરૂદેવ ! આપે આપેલ અસામાન્ય દર્પણની મદદથી મેં જોયું છે કે સંસારના તમામ લોકોના દિલમાં અનેક દોષો છે.મને જગતમાં કોઇ દોષરહિત સજ્જન અત્યાર સુધી જોવા મળ્યો નથી તેથી મારૂં મન વ્યાકુળ બન્યું છે.ત્યારે ગુરૂજીએ ર્હંસ્યા અને દર્પણ શિષ્યની સામે જ ધરી દીધું.શિષ્યને તો ઘણી જ નવાઇ લાગી કે તેના મનના પ્રત્યેક ખુણામાં રાગ-દ્વેષ અહંકાર ક્રોધ જેવા અનેક દુર્ગુણો ભરેલા જોવા મળ્યા.
ગુરૂજીએ કહ્યું કે બેટા ! આ દર્પણ મેં તને બીજા લોકોના દુર્ગુણો જોવા માટે નહી પરંતુ તારા પોતાના દુર્ગુણો જોઇને જીવનમાં સુધારો કરવા આપ્યું હતું.જેટલો સમય તે બીજાના દુર્ગુણો જોવામાં પસાર કર્યો છે એટલો સમય તે પોતે પોતાના સુધારામાં લગાવ્યો હોત તો અત્યાર સુધી તારા વ્યક્તિત્વમાં ઘણો સુધારો થઇ શક્યો હોત.મનુષ્યની સૌથી મોટી ભૂલ એ છે કે તે બીજાઓના દુર્ગુણોઓને જાણવામાં વધુ રસ હોય છે પરંતુ પોતે પોતાના દુર્ગુણોને જોઇને તેમાં સુધારો લાવવા વિચારતો જ નથી.આમ દર્પણથી જે શીખ લેવાની હોય છે તેને તમે સમજી શક્યા નથી.સંસાર તો દુર્ગુણોથી ભરેલો છે પરંતુ અમારામાં કંઇ ઓછા અવગુણ નથી.બીજાઓમાં દોષોને જોવા એ જ સૌથી મોટો અવગુણ છે.અમે જો અમારા પોતાનામાં રહેલા અવગુણોને જોઇને તેને સુધારવા લાગી જઇશું તો અમારા વ્યક્તિત્વમાં અવશ્ય સુધારો થશે તેમાં કોઇ શંકા નથી.
સૌથી કઠણ કામ છે પોતાનામાં રહેલા અવગુણોનો સ્વીકાર કરીને તેમાં સુધારો કરવાની હિંમત કરવી. અમે અમારામાં રહેલા દુર્ગુણોને ઢાંકવા માટે અનેક બનાવટી સહારાઓ લેતા હોઇએ છીએ,અમારી અંદરની ખામીઓના માટે બીજાઓને દોષી માનીએ છીએ તેવું ના થવું જોઇએ.અમે અમારા પોતાના માટે જવાબદાર છીએ તેથી બીજાના દુર્ગુણોને અમારી અંદર આવવા દેવા ન જોઇએ.
મનમાં અહંકાર ના આવવો જોઇએ.આ વિશે એક બોધકથા જોઇએ..
જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જ્ઞાનવાન વ્યક્તિ ૫ણ જો ભક્તિ છોડી દે તો પુનઃ માયામાં ગોથાં ખાય છે,ડુબવા લાગે છે માટે હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ.જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે.
એક રાજા પોતાની વીરતા અને સુશાસનના માટે પ્રસિદ્ધ હતો.એકવાર તે પોતાના ગુરૂજી સાથે નગર ભ્રમણ કરી રહ્યા હતા.રાજ્યની સમૃદ્ધિ અને ખુશહાલી જોઇને તેનામાં ઘમંડનો ભાવ આવી ગયો હતો અને મનમાં વિચારતો હતો કે ખરેખર હું એક મહાન રાજા છું,હું ઘણી સારી રીતે મારી પ્રજાની દેખભાળ કરૂં છું. ગુરૂજી સર્વજ્ઞાની હતા તે તરત જ શિષ્યના મનના ભાવને સમજી ગયા અને તાત્કાલિક તેના સુધાર માટે નિર્ણય કર્યો.રસ્તામાં એક મોટો પત્થર પડ્યો હતો.ગુરૂજીએ તેને તોડવા માટે સૈનિકોને નિર્દેશ આપ્યો. સૈનિકોએ પત્થરના બે ટુકડા કર્યા તો એક અવિશ્વનીય દ્રશ્ય જોયું.પત્થરની વચ્ચે પાણી ભરાયેલું હતું અને તેમાં એક દેડકો બેઠો હતો.પત્થર તૂટતાં જ દેડકો કૂદીને બહાર આવી ગયો.બધાને ઘણી જ નવાઇ લાગી કે આ પત્થરમાં દેડકો આવ્યો કેવી રીતે અને જીવિત કેવી રીતે રહ્યો? ત્યારે ગુરૂજીએ રાજાની તરફ જોઇને પુછ્યું કે જો આપ એવું વિચારતા હો કે મારા રાજ્યના તમામનું હું ધ્યાન રાખું છું,તમામનું પાલન-પોષણ કરૂં છું તો બતાવો કે આ પત્થરની વચ્ચે ફસાયેલ દેડકાનું ધ્યાન કોન રાખી રહ્યું હતું?
રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો.તેમણે પોતાના અભિમાન ઉપર પછતાવો થવા લાગ્યો. ગુરૂકૃપાથી તે સમજી ગયા હતા કે ઇશ્વરે તમામ જીવોને બનાવ્યા છે અને તે જ તમામનું ધ્યાન રાખે છે.
Trending
- Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
- Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
- Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
- Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
- PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
- Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
- Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
- Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
Related Posts
Add A Comment

