New Delhi, તા.26
લોકસભા ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશમાં ભાજપને લાડલી બહેના ફેક્ટરે ભવ્ય વિજય અપાવ્યો અને મહારાષ્ટ્રમાં પણ મહાયુતિના પ્રચંડ વિજય પાછળ આ લાડલી બહેનાનો મોટો ફાળો છે. દેશના 10 રાજ્યોમાં આ પ્રકારે મહિલાઓને કેશ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ દર મહિને રૂા.1000 થી રૂા.2500 સુધીની રકમ મળે છે અને તેનું વાર્ષિક બજેટ હવે રૂા.1650 અબજનું થઇ ગયું છે.
હજુ દિલ્હી ચૂંટણીમાં પણ તે ફેક્ટર આવશે તેવું મનાય છે. એ નિશ્ચિત થઇ ગયું છે કે લાડલી બહેના યોજના મતો ખેંચી જાય છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવ કર્યો પછી તેની પાસે ફકત 6 માસ હતા અને તેમાં તેના માટે બાઉન્સ બેક થવું મુશ્કેલ હતું.
તે સમયે આ લાડલી બહેના યોજનાએ ભાજપને મોખરે મુકી દીધું છે અને 288માંથી ભાજપે 148 બેઠકો લડી હતી. તેમાં 132માં વિજેતા થયું આમ તેનો સ્ટ્રાઇકરેટ 90 ટકા જેવો થઇ ગયો છે જે અત્યાર સુધીમાં ફકત દિલ્હીમાં આમ આદમી પાર્ટી રીપીટ કરી શકી છે.
વાસ્તવમાં લગભગ એક દસકા અગાઉ યુનિવર્સલ ઇન્કમ યોજનાની ચર્ચા થઇ હતી જેમાં ગરીબોને દર મહિને થોડી રકમ આપવાથી તેમનું જીવન સતત સુધરતું જાય તેવું ગણાતું હતું પણ તે યોજના અમલમાં મુકાઇ નહીં પરંતુ ચૂંટણી પરિણામો આ યોજનાને ફરજીયાત બનાવી દીધી છે.
તે રીતે દેશમાં સરેરાશ દરેક મહિલાને 18 ડોલર જેવી રકમ મળે તો કદાચ મોટી ગણાતી ન હોય પરંતુ મુંબઇમાં અને મહારાષ્ટ્ર કે જે સમૃધ્ધ રાજ્ય ગણાય છે ત્યાં પણ આ યોજના સફળ રહી તેનું કારણ પણ પડકારજનક છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દુષ્કાર સહિતની સ્થિતિ અને બેરોજગારી આ તમામે લાડલી બહેના યોજનાને સફળ બનાવી છે.

