Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 5 જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘હર ઘર એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ’ ઉપરાંત ‘એક પેડ માઁ કે નામ, આ સૂત્રને સાર્થક કરવા માટે હાપા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે સાથે રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ નગરજનોને રોપાનું વિતરણ પણ કરાયું હતું, તદુપરાંત પર્યાવરણની જાગૃતિને અનુલક્ષીને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને વેગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય તેમજ ગો ગ્રીનના સંદેશા સાથેની વિશેષ પ્રકારની બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદ ખીમસુરીયા, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તથા અન્ય કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રત્યેકના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

