જાહેરનામા ભંગ બદલ પણ ચાર ગુના નોંધાયા : આજથી ડ્રોન અને ફટાકડાના જાહેરાનામાં અંગે પણ ફરિયાદ નોંધાશે
Rajkot,તા,10
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેર પોલીસે ચેકિંગ હાથ ધરી 15 શખ્સોને છરી સાથે, આઠ હદપારી અને 17 પીધેલાને ઝડપી લીધા હતા. ઉપરાંત પરપ્રાંતિય શ્રમિકોને મજૂરી અર્થે રાખી નોંધણી નહીં કરાવવા બદલ ચાર ગુના નોંધવામાં આવ્યા છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા મુખ્યમંત્રી અને ગ્રુહ રાજ્યમંત્રી દ્વારા રાજ્યભરના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા હતા. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક ડીજીપી ઓફિસને જાણ કરવામાં આવે તેવા આદેશો પણ છૂટ્યા હતા. જેના પગલે શહેર પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
શહેર પોલિસની અલગ અલગ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ ધરવામાં આવતા બી ડિવિઝન પોલીસે ચાર શખ્સોને, ભક્તિનગર પોલીસે ત્રણ, એ ડિવિઝનએ ચાર, પ્રનગરએ બે અને યુનિવર્સિટી પોલીસે બે એમ મળી કુલ ૧૫ શખ્સોને છરી સાથે ઝડપી લીધા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે એક, ભક્તિનગરે બે, એ ડિવિઝનએ બે, પ્રનગરે એક અને યુનિવર્સિટી પોલીસે બે મળી કુલ 8 શખ્સોને હદપાર કરી હોય તેમ છતાં પરવાનગી વગર રાજકોટ શહેરી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. ઉપરાંત બી ડિવિઝન પોલીસે એક, ભક્તિનગરે બે, થોરાળાએ ત્રણ, એ ડિવિઝને ચાર, પ્રનગરે બે અને યુનિવર્સિટી પોલીસે પાંચ મળી 17 શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
આ ઉપરાંત આજીડેમ પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે મજૂરોને નોકરી પર રાખી નોંધણી નહીં કરાવવા બદલ જાહેરનામા ભંગના બે-બે કેસ કર્યા હતા. I