વૈચારિક શક્તિને ખીલવતા સેમિનારમાં વિધાર્થીઓ પ્રાપ્ત કર્યું સર્જનાત્મક જ્ઞાન
Rajkot તા.૨૦
રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર તથા નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કૂલ (ગ્રાન્ટેડ) ખાતે વિદ્યાર્થીઓની વૈચારિક અને બૌદ્ધિક શક્તિને નવી દિશા આપવા તથા તેમનામાં રહેલી સુષુપ્ત સર્જનાત્મકતાને જાગ્રત કરવાના હેતુથી એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ જ્ઞાનસત્રનો મુખ્ય વિષય ક ક્રિએટિવિટીનો ક રાખવામાં આવ્યો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯ અને ધોરણ ૧૦ના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ સર્જનાત્મક વિચારસરણી કેળવાય તે હેતુથી શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાએ આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના કરી હતી. તેમના જ કુશળ માર્ગદર્શન અને દોરવણી હેઠળ સમગ્ર પરિસંવાદ સંપન્ન થયો હતો.
આ પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના જાણીતા લેખક, આકાશવાણીના ઉદઘોષક, સ્ટેજ તથા ટીવી એન્કર અને પ્રખર વ્યાખ્યાતા શ્રી શુભમ પી. અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ આનંદ અને ગૌરવની વાત એ છે કે વક્તા શ્રી શુભમભાઈ શ્રી એસ.વી. વિરાણી હાઈસ્કૂલના જ પૂર્વ વિદ્યાર્થી છે. પોતાની જ માતૃસંસ્થામાં વક્તા તરીકે આવીને તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રભાવશાળી શૈલીમાં સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે રોજિંદા જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દૂર રહી મૌલિક અને કંઈક નવું વિચારવા પ્રેરિત કર્યા હતા. પોતાની શાળાના જ એક સફળ પૂર્વ વિદ્યાર્થીને મુખ્ય વક્તા તરીકે સાંભળીને શાળાના વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહિત થયા હતા.
પરિસંવાદના અંતે વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના સચોટ જવાબો આપી શ્રી શુભમભાઈએ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સમગ્ર શાળા પરિવારે આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયા અને વક્તાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

