ભાજપના કદાવર નેતા અને અટલબિહારી વાજપેયના જમણા હાથ ગણાતા પ્રમોદ મહાજનની હત્યા ૨૦૦૬ના વર્ષમાં થઈ હતી. પ્રમોદ મહાજન સવારે મુંબઈના એમના નિવાસસ્થાને બેઠા હતા ત્યારે એમના સગા ભાઈ પ્રવિણ મહાજને એમના પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. પ્રવિણ મહાજનનું મૃત્યુ જેલમાં જ થઈ ગયું હતું. પ્રમોદ મહાજનના પુત્રી પુનમ મહાજન ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. પૂનમ મહાજનની હવે ભાજપ હાઇકમાન્ડ અવગણના કરે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પૂનમ મહાજને ધડાકો કર્યો છે કે એમના પિતાની હત્યા મોટું કાવતરું હતું. પ્રમોદ મહાજનની હત્યાના કાવતરાની નવેસરથી તપાસ કરવા એમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રમાં લોકોને નવાઈ લાગી રહી છે કે ૧૮ વર્ષ સુધી શાંત બેઠા પછી હવે પુનમ મહાજન શા માટે ફેર તપાસની માગણી કરી રહ્યા છે.
‘લાલ કિતાબ’ પર ફડણવીસની ટીકાનો જવાબ કોંગ્રેસે આપ્યો
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેર્ન્ય ફડણવીસે એવો પ્રશ્ન કર્યો હતો કે રાહુલ ગાંધી ભારતના બંધારણની લાલ રંગવાળી કોપી બતાવીને કયો સંદેશો આપવા માંગે છે? કોંગ્રેસના નેતા દેશમાં અરાજકતા ફેલાવનારાઓને સાથ આપવાનો આરોપ પણ ફડણવીસે લગાડયો હતો. રાજકારણમાં સામાન્ય રીતે લાલ રંગની સરખામણી સામ્યવાદી વિચારધારા સાથે થાય છે. ફડણવીસના આ આક્ષેપ સામે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કડક જવાબ આપતા કહ્યું છે કે, ફડણવીસને જે પુસ્તક બાબતે તકલીફ થઈ રહી છે એ પુસ્તક હકીકતમાં ભારતનું બંધારણ છે. જેને ડો. ભીમરાવ આબંડેકરે લખ્યું છે. આ એજ પુસ્તક છે જેના ઉપર આરએસએસએ ૧૯૪૯માં હુમલો કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુસ્તકને બદલવા માંગે છે. ફડણવીસને ખબર હોવી જોઈએ કે લાલ કવરવાળા આ પુસ્તકની પ્રસ્તાવના કે કે વેણુગોપાલે લખી છે, જેઓ ભારતના એટર્નીજરનલ પણ રહી ચૂક્યા છે.

