Surat,તા.૨૮
Surat શહેરના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી નક્ષત્ર સેફ હાઉસમાં લોકરમાં રાખેલા સોનાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો ભાંડો ફૂટતા શહેરમાં ભારે ચકચાર મચી છે. સૌથી ગંભીર બાબત એ છે કે સેફ હાઉસના સંચાલકોએ જ ડુપ્લિકેટ ચાવી તૈયાર કરાવી ગ્રાહકોના લોકર ખોલીને કરોડો રૂપિયાના દાગીના ચોરી કર્યા હોવાનો આરોપ સામે આવ્યો છે. ઘટના બહાર આવતા લોકરધારકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સેફ હાઉસ ખાતે ઉમટી પડ્યા હતા. કેટલાક ગ્રાહકોને તેમના દાગીના સલામત મળી ગયા હતા. જ્યારે કેટલાકના લોકર ખાલી મળતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો
સિંગણપોર ચાર રસ્તા નજીક કૃષ્ણજીવન સોસાયટીના બીજા માળે આવેલી નક્ષત્ર સેફ હાઉસ ખાતે મોટી ભીડ એકત્ર થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન અનેક ગ્રાહકોએ તેમના લોકરમાંથી દાગીના ગાયબ હોવાની ફરિયાદ કરી હતી. હાલમાં છ લોકરધારકોએ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી બિલ્ડર રમેશ જીવરાજ વાઘાણીએ પોલીસને જણાવ્યું કે તેઓ ૧૧ જુલાઈએ પોતાનું લોકર ખોલવા ગયા ત્યારે અંદરથી ત્રણ તોલા સોનું ગાયબ હતું. વધુ તપાસમાં અન્ય પાંચ ગ્રાહકોના લોકરમાંથી પણ દાગીના ચોરી થયાનું બહાર આવ્યું. જેમાં રાજેશ પીપળીયાના ૪૯ તોલા, રમેશ સવજી વાઘાણીના ૩ તોલા, જીતેન્દ્ર બાબુ ભલરના ૧૩ તોલા, ઉત્સવ અમરશી સોનાણીના ૧૬ તોલા તથા ચિરાગ વલ્લભ ગોટીના ૬૨ તોલા સહિત કુલ ૨૦૯ તોલા સોનાના દાગીના, અંદાજે ૨.૬૮ કરોડની કિંમતના, ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોકરની મૂળ ચાવી ગ્રાહકો પાસે હોવા છતાં સેફ હાઉસના સંચાલકોએ મણીલાલ નામના ચાવી બનાવનારનો સંપર્ક કરી લોકરની ડુપ્લિકેટ ચાવી તૈયાર કરાવી હતી. આ ચાવીની મદદથી લોકર ખોલીને અંદરથી દાગીના ચોરી કરવામાં આવ્યા હોવાની આશંકા છે.પોલીસે આ મામલે સેફ હાઉસના સંચાલક મહેશ ડાહ્યા દિયોરા તથા તેના બે પુત્રો હરિકૃષ્ણ દિયોરા અને હર્ષ દિયોરાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે ડુપ્લિકેટ ચાવી બનાવનાર મણીલાલની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદીઓના જણાવ્યા મુજબ ૧૪ જુલાઈએ તેઓ ફરી વોલ્ટ પર પહોંચ્યા ત્યારે હર્ષ દિયોરાને ઝ્રઝ્ર્ફ ફૂટેજ બતાવવા કહ્યું હતું. શરૂઆતમાં થોડો ડેટા બતાવ્યા બાદ તેણે “સિસ્ટમ ગરમ થઈ ગઈ છે. ડેટા ઉડી જશે” કહી બહાનું બનાવી ત્યાંથી નીકળી ગયો હતો. જેના કારણે ચોરીના સમયની ઝ્રઝ્ર્ફ હાર્ડ ડિસ્ક પણ ગાયબ કરવામાં આવી હોવાની શંકા વધુ ઘેરી બની છે. પોલીસે ઝ્રઝ્ર્ફ સિસ્ટમ અને હાર્ડ ડિસ્ક અંગે પણ તપાસ શરૂ કરી છે.પોલીસને આશંકા છે કે હજુ અન્ય અનેક લોકરધારકો પણ ચોરીનો ભોગ બન્યા હોઈ શકે છે.
આ સમગ્ર ઘટનાએ ખાનગી સેફ હાઉસની સુરક્ષા વ્યવસ્થા અને વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ સિંગણપોર પોલીસ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય ભોગ બનનારાઓને પણ આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે દિયોરાના પુત્ર હર્ષ દિયોરાને શેરબજારમાં મોટું આર્થિક દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા માટે પિતા-પુત્રોએ મળીને સેફ હાઉસમાં જ કૌભાંડ આચરવાનું પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. આ કૌભાંડમાં સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તથા ડુપ્લીકેટ ચાવી બનાવતા નિષ્ણાત લોકર બ્રેકર મણીલાલની સંડોવણી સામે આવી છે. પોલીસે ત્રણેય પિતા-પુત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરી છુપાવવા માટે આરોપીઓએ સેફ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની હાર્ડ ડિસ્ક પણ ગાયબ કરી દીધી હતી.ગ્રાહકોની ગેરહાજરીમાં ડુપ્લીકેટ ચાવી વડે લોકર ખોલવામાં આવતા. કુલ ૬ લોકરોમાંથી ૨૦૬ તોલા સોનાના દાગીના ગાયબ કરી દેવાયા. ચોરી કરેલું સોનું બજારમાં વેચીને રકમ પડાવી લેવાનો આખો માસ્ટરપ્લાન હતો.
સિંગણપોર કોઝવે રોડ પર રહેતા ફરિયાદી રમેશભાઈ વાઘાણીએ વર્ષ ૨૦૨૦થી પોતાની પત્નીના નામે નક્ષત્ર સેફ વોલ્ટમાં લોકર લીધું હતું. ગત ૮ મેના રોજ જ્યારે પરિવાર લોકર પર ગયો ત્યારે તમામ ઘરેણાં સુરક્ષિત હતા. પરંતુ જુલાઈ મહિનામાં ઘરમાં પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા પહોંચ્યા, ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા. તેમના ૬૩ તોલા સોનાના દાગીના ગાયબ થઈ જતાં આખું કૌભાંડ સામે આવ્યું હતું.

