૨૧ હજારથી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ-પરોક્ષ લાભ મળશે રૂ.૧૫ કરોડના શૈક્ષણિક વિકાસકાર્યોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તથા જામનગર ૭૮- ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય Rivaba Jadejaના જન્મદિવસ નિમિત્તે સમાજને સમર્પિત ‘‘ એકવીશંતિ સેવા સંકલ્પનાઃ ધ ૨૧ સેવા રિઝોલ્યુશન્સ’’ અંતર્ગત વિવિધ ૨૧ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અંદાજે ૨૧,૦૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આગામી ૧૨ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જામનગરના ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે.સેવા સંકલ્પ અંતર્ગત જામનગરની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ.૧૫ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ શૈક્ષણિક અને માળખાકીય વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત ૧૦૦ ટકા પરિણામ મેળવનાર સરકારી શાળાઓનું સન્માન તેમજ ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે ઈકો ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૯ શાળાઓના આશરે ૧૪,૦૦૦ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવશે. જ્યારે સરકારી શાળાના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.-૨ સ્થિત શાળા નં.૩૨/૫૦ ખાતે લાઇફ સંસ્થા દ્વારા અંદાજે રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર શાળાના નવા બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ ઉપરાંત લોઠીયા અને ઝાખર ખાતે અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર માધ્યમિક શાળાના મકાનોનું પણ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
જામનગરના યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૧,૫૦૦૦થી વધુ યુવાનો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૪૫ થી વધુ કંપનીઓની ઉપસ્થિતિ રહેશે, જેના થકી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પ્રાપ્ત થશે.

