Surendaranagar તા.27
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ નજીક આવેલા એક ગેરેજમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રાખેલા 9 બાઇક, એક કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ ગેરેજ લખતર-વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢથી આશરે એક કિલોમીટર દૂર જ્યોતિપરા ગામના પાટિયા પાસે આવેલું છે. તે વિઠ્ઠલગઢ ગામના મનસુખભાઈ ગોવિંદભાઈ લોરિયાની માલિકીનું છે.
મનસુખભાઈ લોરિયા રાત્રે ગેરેજ બંધ કરીને ઘરે ગયા હતા. મોડી રાત્રે ગેરેજમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોએ તેમને ફોન કરીને જાણ કરી હતી.
માહિતી મળતા જ મનસુખભાઈ તાત્કાલિક ગેરેજ પર પહોંચ્યા હતા. તેમણે ગેરેજ ખોલીને જોયું તો અંદરનો તમામ સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અગમ્ય છે. આ આગમાં રિપેરિંગ માટે આવેલા અંદાજે 9 જેટલા બાઇક, એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને અન્ય ગેરેજ સાધનો બળીને નષ્ટ થઈ ગયા હતા. આ ઘટનાને કારણે ગેરેજ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

