New Delhi, તા.16
ભારતમાં ડીજીટલ એરેસ્ટના નામે લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેવાના બનાવો સંબંધી કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્ટેટેસ રીપોર્ટ રજુ કર્યો હતો અને એમ કહ્યું કે બેંક કે ટેલીકોમ કંપનીની બેદરકારીથી આવા બનાવ બને તો તેને જવાબદાર ઠેરવવા જોઇએ.
ડીજીટલ એરેસ્ટના કેસેોમાં તમામ પાસાઓની તપાસ કરવા માટે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય ઇન્ટર-ડીપાર્ટમેન્ટલ કમીટીની રચના કરી છે. તેમાં તમામ એજન્સીઓને સામેલ કરાયા છે. વિસ્તૃત રીપોર્ટ માટે એક મહિનાની મુદત માંગવામાં આવી છે.
કેન્દ્ર સરકારના કથન મુજબ ગૃહ મંત્રાલયના અધિક સચિવને કમીટીનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે તેમાં રિઝર્વ બેંક, સીબીઆઇ, એનઆઇએ, સાઇબર ક્રાઇમના અધિકારીઓ સામેલ છે. કમીટી દર પખવાડિયે બેઠક કરશે.
સુપ્રિમ કોર્ટે ગત 1લી ડીસેમ્બરે સીબીઆઇને આદેશ કર્યો હતો કે દેશભરના ડીજીટલ એરેસ્ટના કેસોની એક સમાન તપાસ કરે. રાજ્યોને પણ આ માટે સહમતી આપવા પણ તાકિદ કરી હતી.

