Surat,તા.૧૩
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના ટળી ગઈ. કોલકાતાથી સુરત આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડિંગ કરતી વખતે તેના ટાયર રનવે પર ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઘસડાઈ ગયા હતા. પરંતુ પાઇલટે ત્વરિત અને બહાદુરીભર્યો નિર્ણય લઈને ૦ ફૂટની ઊંચાઈથી પ્લેનને ફરીથી ટેકઓફ કરાવી દીધું. આ ‘પ્રિ-કોશનરી ગો-અરાઉન્ડ’ ની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા.
સુરત એરપોર્ટ પર કોલકાતા-સુરત ફ્લાઇટ લેન્ડિંગ માટે તૈયારીમાં હતી. પ્લેન રનવે પર ટચ ડાઉન થતાં જ તેના ટાયર અચાનક રનવે સાથે જોરદાર રીતે ઘસડાવા લાગ્યા. રનવે પર ૧૪૦ કિમીની ઝડપે આ ઘસડાતી ગતિને કારણે પ્લેનમાં જોરદાર અવાજ થયો અને પ્લેન કંટ્રોલ બહાર જવાની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.પરંતુ અનુભવી પાઇલટ દ્રારા ક્ષણભરમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ‘ગો-અરાઉન્ડ’નો નિર્ણય લીધો.પ્લેનને ૦ ફૂટની ઊંચાઈથી ફુલ પાવર આપીને ફરીથી હવામાં ઉઠાવી લેવામાં આવ્યું. આવી સ્થિતિમાં પાઇલટનું આ પગલું અત્યંત જોખમી માનવામાં આવે છે, પરંતુ તેમણે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી.ટેકઓફ થયા પછી પ્લેનને સુરત એરપોર્ટના જ રનવે પર ફરીથી સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફરને ઇજા પહોંચી નથી.

