જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી છતાં ઠસક રાખે છે કે હું પણ કાંઇક છું.વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે.વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે.જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ. સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો.વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે.નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકલ લોકમાં સહુને વંદે..સહુને વંદે તે વૈષ્ણવ.વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી.અંદર હું પણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો તો તમારી નમ્રતા વધશે.આજકાલ લોકો દેહની પૂજા કરે છે એટલે ઠાકોરજીની પૂજા-સેવા કરવાનો તેમને સમય મળતો નથી. દેહ-પૂજા વધી એટલે દેવ-પૂજા(અર્ચન-ભક્તિ) ગઈ.લોકો એ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે.બહુ સાબુ ઘસવાથી શરીરનો રંગ સુધરવાનો નથી.ભગવાને જે રંગ આપ્યો છે તે સાચો છે.મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન-ભક્તિનો વિનાશ થયો.આવી રીતે ભક્તિના એકએક અંગનો વિનાશ થયો એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો.
બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય છે.ભક્તિ છિન્ન-ભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું છે.ભક્તિના બે બાળકો છે.જ્ઞાન અને વૈરાગ્ય.જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો.જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે ત્યારે ભક્તિ પણ રડે છે.કળીયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે તે વધતાં નથી.જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી જ્ઞાન ગયું છે.નારદજી કહે છે કે જ્ઞાન અને વૈરાગ્યને કેમ મૂર્છા આવી તે હું જાણું છું.આ કલિકાલમાં અધર્મ વધ્યો છે,તેથી તેઓને મૂર્છા આવી છે.આ વૃંદાવનની પ્રેમભૂમિથી તેમને પુષ્ટિ મળી છે.જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા કેમ ઉતરે? કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે આ કલિયુગનો પ્રભાવ છે.નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું છે કે હું ભક્તિનો પ્રચાર કરીશ,જ્ઞાન-વૈરાગ્યને જગાડીશ.નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળતી નથી.વેદોના અનેક પારાયણ કર્યા તો પણ તેમની મૂર્છા ઉતરતી નથી.વેદની ભાષા ગૂઢ છે.વેદનો અર્થ જલ્દી સમજાતો નથી એટલે વેદોના પારાયણથી મૂર્છા ઉતરી નહિ.
જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે.આ આપણી જ કથા ચાલે છે.હૃદય-વૃંદાવનમાં ભક્તિ છે પણ છિન્ન-ભિન્ન થઇ છે.વૃંદાવનમાં જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા છે તેમ નથી.શરીરમાં હૃદય એ વૃંદાવન છે.હૃદયમાં કોઈ કોઈ વાર વૈરાગ્ય જાગે છે પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી.ઉપનિષદ અને વેદના પાઠથી આપણા હૃદયમાં કવચિત જ્ઞાન-વૈરાગ્ય જાગી પાછા મૂર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે પણ તે વૈરાગ્ય ટકતો નથી.કોઈના છેલ્લા વરઘોડામાં (સ્મશાન યાત્રામાં)જાય છે,સ્મશાનમાં ચિતા બળતી જુએ છે,ધાણી ફૂટે તેમ એક-એક હાડકાં છૂટા પડતા જુએ છે, તે જોઈ કેટલાકને વૈરાગ્ય આવે છે આ સ્મશાન વૈરાગ્ય છે.જે શરીરના હું લાડ કરૂં છું,જેના માટે હું પાપ કરૂં છું તે મારા શરીરની આ દશા થવાની છે.કામસુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે,સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે પણ વૈરાગ્ય કાયમ ટકતો નથી.વિષયો ભોગવ્યા પછી તેમાં અરૂચિ આવે છે પરંતુ તે વૈરાગ્ય વિવેક(જ્ઞાન) વગરનો હોવાથી કાયમ ટકતો નથી,જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી.
નારદજી ચિંતામાં પડ્યા છે,તે વખતે આકાશવાણી થઇ કે તમારો પ્રયત્ન ઉત્તમ છે,જ્ઞાન-વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરતાં તમે કોઈ સત્કર્મ કરો.નારદજી પૂછે છે કે પણ હું શું સત્કર્મ કરૂં? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને સત્કર્મ બતાવશે.નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે પણ કોઈ નિશ્ચિત્ત ઉપાય બતાવી શક્યા નહિ.પૂછતાં-પૂછતા અને ફરતાં-ફરતાં નારદજી બદ્રીકાશ્રમમાં આવ્યા છે ત્યાં તેમણે સનકાદિ મુનિઓને જોયા,નારદજીએ ઉપરની બધી કથા કહી સંભળાવી અને તેમને પૂછે છે કે જે દેશમાં હું જન્મ્યો તે દેશને હું ઉપયોગી ના થાઉં તો મારૂં જીવન વ્યર્થ છે.આપ જ મને બતાવો કે હું શું સત્કર્મ કરૂં? હું શું કરૂં કે જેથી જ્ઞાન -વૈરાગ્ય કાયમના માટે જાગતા રહે,ભક્તિ પુષ્ટ થાય? સનકાદિ મુનિઓ કહે છે કે દેશના દુખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે.ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે,નારદજી તમે ભાગવત જ્ઞાનયજ્ઞનું પારાયણ કરો.તમારી ઈચ્છા પૂર્ણ થશે.નારદજીએ પૂછ્યું કે જે કામ વેદ પારાયણથી ના થયું તે ભાગવતથી કેવી રીતે થશે?
સનકાદિ મુનિઓ સમજાવે છે કે વેદમાંથી જ ભાગવત પ્રગટ થયું છે,ભાગવતમાં વેદ-ઉપનિષદોનો સારભર્યો છે.ખાંડ એ શેરડીમાંથી થાય છે પણ ખાંડમાં જે મીઠાસ હોય છે તે શેરડીમાં હોતી નથી.ઘી થાય છે દૂધમાંથી પરંતુ બે મણ દૂધ હોય તો પણ તેનાથી દીવો થતો નથી.દીવો કરવો હોય તો ઘી ની જરૂર પડે છે,દૂધથી દીવો થતો નથી.એક-બે તોલા ઘી હોય તો દીવો થાય છે.વેદ-ભગવાન એ દૂધ જેવા છે,વિશાળ છે,વ્યાપક છે,અનંત છે પણ ભાગવત એ માખણ છે,તેનો સાર છે.નારદજી તમે ભાગવત જ્ઞાન-યજ્ઞનું પારાયણ કરો અને તેનો પ્રચાર કરો,આ કથા જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યને વધારનારી છે.વેદનું પારાયણ કરવું સારૂં છે પણ વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી.વેદોની ભાષા ગૂઢ હોવાથી સામાન્ય માનવીની સમજમાં આવતી નથી,આથી જ વેદના સિદ્ધાંતો અને કઠિન ભાષાને દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને વ્યાસજીએ આ કથા બનાવી છે.કળીયુગમાં ભગવાન કૃષ્ણની કથા અને કિર્તનથી જ્ઞાન-વૈરાગ્ય જાગૃત થાય છે,તેથી જ સર્વ વેદોના સાર જેવું આ ભાગવત જ્ઞાનયજ્ઞનું પાન કરો,પારાયણ કરો.
ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે.ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે. ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો જ્ઞાનભૂમિ છે માટે આજ્ઞા કરી છે કે ગંગા કિનારે ચાલો. નારદજી સનતકુમારો સાથે ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.નારદજી હાથ જોડીને બેઠા છે ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવતકથાનું પાન કરવા આવ્યા છે.જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઇ આવે છે.સત્કર્મ બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.કથાના આરંભમાં જય-જયકાર કરે છે અને હરયે નમઃ નો શબ્દોચ્ચાર કરે છે,આ મહામંત્ર છે.
બધી પ્રવૃત્તિ છોડીને માનવી ધ્યાનમાં બેસે છે ત્યારે માયા વિઘ્ન કરે છે.અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે.કોઈ ભક્તિ કરે તે માયાને ગમતું નથી.જીવ ઈશ્વર જોડે જાય તે માયાને ગમતું નથી,જીવ સર્વ પ્રકારનો મોહ છોડી માયા પાસે જાય તે માયાને ગમતું નથી.આ માયાનું કોઈ એક સ્વરૂપ નથી.ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી જ છે.જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે.માયા મનને ચંચળ બનાવે છે,માયા મનુષ્યને સમજાવે છે કે આ સંસારમાં જ સુખ છે.સ્ત્રીમાં સુખ છે.માયા અનેક રીતે જીવને ઈશ્વરથી દૂર ફેંકે છે.મનુષ્યને માયા હરાવે છે.મનુષ્યની હાર અને માયાની જીત થાય છે.માયાની જીત થાય છે કારણ કે મનુષ્ય ભગવાનનો જયજયકાર કરતો નથી.કથા–ભજનમાં ઈશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો.માયાની હાર થાય અને મારી જીત થાય.પ્રભુનો જય જયકાર કરો તમારી પણ માયા સામે, બુદ્ધિ સામે જીત થશે.ભુખ તરસને ભુલશો નહિ તો પાપ થશે.ભુખ તરસને સહન કરવાની ટેવ પાડો.આગળ કથા આવશે કે પરીક્ષિતની બુદ્ધિ ભુખ-તરસે જ બગાડેલી.સુતજી સાવધાન કરે છે.નારદજી અને સર્વે ઋષિજનો આસન પર બિરાજીને પ્રભુના નામનો જય જયકાર કરે છે અને પછી હરયે નમઃ નું ઉચ્ચારણ કરે છે.સતત હરયે નમઃ બોલવાની ટેવ પાડો.તમારા હાથે પછી પાપ થશે નહિ.
આ ભાગવતની કથા અતિ દિવ્ય છે.આ કથા એવી મંગલમય છે કે જે પ્રેમથી શ્રવણ કરશે તેના કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે.નેત્ર(આંખ) અને શ્રોત (કાન)ને જે પવિત્ર રાખે તેના હૃદયમાં પ્રભુ આવે છે.તમે જેને પ્રેમથી જુઓ છો તે આંખમાંથી હૃદયમાં આવે છે,ભગવાન શ્રીકૃષ્ણ કાનમાંથી,આંખમાંથી હૃદયમાં આવે છે.વારંવાર શ્રીકૃષ્ણ કથા જે સાંભળે છે તેના કાનમાંથી શ્રીકૃષ્ણ હૃદયમાં પધારે છે.અંદરનો આનંદ મળે તો માનજો કે પરમાત્મા હૃદયમાં આવ્યા છે.તમે ભગવાનની કથા સાંભળશો તો મન ભગવાનમાં સ્થિર થશે.કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે.આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના દેહના (શરીરના) બે દરવાજા છે.ઘણાં આંખથી પ્રભુના સ્વરૂપને હૃદયમાં ઉતારે છે,ઘણાં કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે.આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો.ત્યાં શ્રીકૃષ્ણને પધરાવો.દરેક સત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે.તેનો મંત્ર છે ઓમ ભદ્રમ કર્ણેભી શ્રેણુંયામ દેવાઃ જેનો અર્થ છે કે હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.મંગલમય શબ્દ અમે સાંભળીએ,મંગલમય સ્વરૂપના અમે દર્શન કરીએ.મનુષ્ય નાકથી ક્યાં પાપ કરે છે? આંખ અને કાનથી જ વધારે પાપ થાય છે એટલે તેને પવિત્ર કરવાની જરૂર રહે છે.ઘેર પૂજા કરાવો છો ત્યારે પૂજાની શરૂઆતમાં-ગોર મહારાજ આંખે અને કાને પાણી અડાડવાનું કહે છે.કાન અને આંખ પવિત્ર થયા પછી જ સત્કર્મનો પ્રારંભ થાય છે.આંખ અને કાન બહુ શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે.આથી બંનેને શુદ્ધ કરો અને તે પછી પૂજા કરો.આ બંને (આંખ ને કાન) જો શુદ્ધ ના હોય તેને પૂજા કરવાનો અધિકાર નથી.આંખ અને કાન સ્થિર થાય છે તે પછી જ તન અને મન સ્થિર થાય છે,ઇન્દ્રિયો સ્થિર થાય છે,શુદ્ધ થાય છે,શુદ્ધ ઇન્દ્રિયોમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે આથી ઈન્દ્રિયોને અને મનને શુદ્ધ કરો અને શુદ્ધ રાખો.કાળ(સમય) બગડ્યો નથી પણ કાળજું(બુદ્ધિ) બગડ્યું છે.
સનકાદિ મુનિઓ કહે છે કે આ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે.અઢારની સંખ્યા પરિપૂર્ણ છે. ભાગવતમાં મુખ્ય કથા છે નંદ-મહોત્સવની તેના શ્ર્લોક પણ અઢાર છે.મહાભારતના પર્વ અઢાર છે. ગીતાજીના અધ્યાયો પણ અઢાર છે.ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્ર્લોક અઢાર છે.અઢારનો આંકડો વ્યાસજીને બહુ પ્રિય છે.ભાગવત પરની પ્રાચીન અને ઉત્તમ ટીકા (ભાગવતનું રહસ્ય-તત્વસાર) છે.શ્રીધર સ્વામીની તેમણે કોઈ સંપ્રદાય( કે દેવો)નો દુરાગ્રહ રાખ્યા વિના ભાગવત-તત્વ (રહસ્યનો)નો વિચાર કર્યો છે.આ શ્રીધરી ટીકા પર બંસીધર મહારાજની ટીકા છે,તેમણે બતાવ્યું છે કે આપણા ઋષિ મુનિઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપણા કલ્યાણ માટે આ ગ્રંથોની રચના કરી છે.ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે? જે શક્તિ-બુદ્ધિ-જ્ઞાન-શક્તિ ભગવાનમાં છે તે શક્તિ ભાગવત શાસ્ત્રમાં છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

