Texas તા.2
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક હૃદયદ્રાવક ઘટનામાં હિલ કન્ટ્રી ક્ષેત્રમાં એક નાનું વિમાન ઝાડ સાથે અથડાઈને ક્રેશ થયું હતું, જેમાં સવાર પાંચેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાની સૌથી દુખદ બાબત એ છે કે મૃત્યુ પામેલા તમામ લોકો પિકલેબોલના ખેલાડીઓ હતા, જેઓ એક ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. વિમાન ઓસ્ટિનથી આશરે 40 માઈલ (65 કિલોમીટર) દક્ષિણપશ્ચિમમાં આવેલા વિમ્બરલી શહેર પાસે ઝાડ વચ્ચે ખાબક્યું હતું.
સત્તાવાર માહિતી મુજબ પાઇલટ અને વિમાનમાં સવાર ચાર મુસાફરો એમ કુલ પાંચેય લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓએ હજુ સુધી મૃતકોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા નથી, પરંતુ ટેક્સાસના અમરિલો સ્થિત ’અમરિલો પિકલેબોલ ક્લબ’ દ્વારા આ અંગે વિગતો આપવામાં આવી છે.
ક્લબના જણાવ્યા મુજબ, વિમાનમાં સવાર તમામ પીડિતો તેમના ક્લબના સક્રિય સભ્યો હતા. તેઓ એક પિકલેબોલ ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા બતાવવા માટે મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ રમત શરૂ થાય તે પહેલા જ કુદરતે તેમની જીવનલીલા સંકેલી લીધી.
અકસ્માત સ્થળ પર અત્યંત ગમગીન દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત સ્થળની આસપાસ લગાવવામાં આવેલી પોલીસ ટેપ પાછળ મૃતકોના સ્વજનો અને મિત્રો પોક મૂકીને રડતા જોવા મળ્યા હતા.

