મિલાપ રૂપારેલ દ્વારા
Amreli તા.4
અમરેલી તાલુકાના વરસડા ગામે શ્રી ભગીરથ દાદાના મંદિરના નવનિર્મિત લાભાર્થે યોજાયેલા એક લોકડાયરામાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ કલાકારો પર ચલણી નોટો, ડોલર અને ચાંદીના રૂપિયાઓ વરસાવી ભવ્ય આવકાર આપ્યો હતો. આ લોકડાયરામાં થયેલ આવક શ્રી ભગીરથ દાદાના મંદિરના નવનિર્મિત કાર્યમાં વપરાશે.
અમરેલી તાલુકાના વરસડા ગામે ગઈકાલે શ્રી ભગીરથ દાદાના મંદિરના નવનિર્મિત કાર્ય માટે થઈ એક ભવ્ય લોકડાયરાનું આયોજન સમસ્ત સગર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં લોકસાહિત્ય અને સંસ્કૃતિનો રંગ છલકાયો હતો, તો સાથે સાથે ઉપસ્થિત લોકોની ઉદારતા પણ જોવા મળી હતી.
આ લોકડાયરામાં લોકપ્રિય કલાકારો અપેક્ષા પંડ્યા અને રાજ ગઢવીએ પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સુરીલા અવાજ અને જીવંત પ્રદર્શનથી પ્રભાવિત થઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ કલાકારો પર ચલણી નોટો વરસાવવાનું શરૂ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રૂપિયાની સાથે સાથે ડોલર અને ચાંદીના રૂપિયાઓનો પણ વરસાદ જોવા મળ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમને વધુ આકર્ષક બનાવી ગયો હતો. સમસ્ત સગર સમાજ દ્વારા આયોજિત આ લોકડાયરામાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

