પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક લવલી વિરુદ્ધ વર્ષ ૨૦૨૨માં હત્યાનો એક કેસ નોંધાયો હતો
Jhansi, તા.૯
બંગરા વિસ્તારના પઠાકરકા ગામમાં શુક્રવારે સવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જાણીતા બુંદેલી લોકગાયિકા લાડકુંવર કુશવાહા (લવલી)ની હત્યા કરી તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. મહિલાનો ખરાબ રીતે સળગી ગયેલો મૃતદેહ એક સૂકા નાળામાંથી મળી આવ્યો હતો. લાશ એટલી હદે સળગી ગઈ હતી કે તેના હાથ-પગ શરીરથી અલગ થઈ ગયા હતા. ખેતરે જઈ રહેલા ખેડૂતોએ નાળા પાસે સળગવાના નિશાન જોતા ગ્રામ પ્રધાનને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.શરૂઆતમાં પોલીસ માટે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ મોહનલાલ કુશવાહા અને તેમના પુત્રોએ ઘટનાસ્થળે પહોંચી પાયલ, વીંટી, સાડી અને ચપ્પલના આધારે ઓળખ કરી હતી કે આ મૃતદેહ લવલીનો જ છે. પરિવારના જણાવ્યા મુજબ, ગુરુવારે સાંજે સાત વાગ્યે લવલીના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો, ત્યારબાદ તે વાત કરતા કરતા ઘરની બહાર નીકળી હતી અને પછી ક્યારેય પાછી ફરી નહોતી. રાતભર શોધખોળ કર્યા બાદ સવારે તેની લાશ મળી હોવાના સમાચાર મળ્યા હતા.પોલીસને ઘટનાસ્થળ નજીકથી દારૂની બોટલો, બિયરના કેન, નમકીનના પેકેટ, એક સળગી ગયેલો મોબાઈલ અને સાડીનો ટુકડો મળી આવ્યો છે. આ પુરાવાઓ પરથી આશંકા સેવાઈ રહી છે કે હત્યારાઓએ પહેલા ત્યાં રોકાઈને દારૂ પીધો હશે અને ત્યારબાદ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હશે. ગામલોકોમાં એવી પણ ચર્ચા છે કે રાત્રે ગામમાં એક સફેદ કાર જોવા મળી હતી. એસપી સિટી પ્રીતિ સિંહે જણાવ્યું છે કે આ કેસના ઉકેલ માટે બે પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક લવલી વિરુદ્ધ વર્ષ ૨૦૨૨માં હત્યાનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં તે લગભગ બે વર્ષ સુધી જેલમાં રહી હતી અને હાલમાં જ જામીન પર બહાર આવી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ હત્યા જૂની અદાવત કે બદલો લેવાના ઈરાદે કરવામાં આવી છે કે કેમ. હાલમાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

