ગાંધીનગર કલેક્ટર અને જમીન તકેદારી સમિતિ લેન્ડ ગ્રેબિંગની તપાસમાં ભૂમાફિયાઓના કૌભાંડનો ભાંડો ફૂટ્યો
Gandhinagar, તા.૧૦
Ahmedabadના ભૂમાફિયા કૌશિક વઘાસિયાએ ગિફ્ટ સિટી નજીકના રતનપુર ગામની રૂ. ૧૯૦ કરોડની જમીન હડપ કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૌશિકે દ્ગઇૈં વૃદ્ધ ખેડૂતની ૧૮ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી કૌભાંડ આચર્યું હોવાનું સીટની તપાસમાં સામે આવતા કલેકટરના હુકમથી ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર કલેક્ટર અને જમીન તકેદારી સમિતિ લેન્ડ ગ્રેબિંગની તપાસમાં ભૂમાફિયાઓના કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. આ પ્રકરણમાં ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામના ખેડૂત પ્રભુદાસ જેસંગભાઈ પટેલ(ઉં.૭૪)ની માલિકીની ૧૮ વીઘા જમીન પચાવી હોવાનું બહાર આવ્યું છે.ફરિયાદ મુજબ ખેડૂત પ્રભુદાસ પટેલે વર્ષ ૨૦૦૭માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રતનપુરની સીમમાં (સર્વે નંબર ૪૮૮, ૪૯૨ અને ૪૯૩) જમીન ખરીદતા તેનો કબજો અને રેવન્યુ રેકોર્ડ તેમના નામે હતા. ગત ૧૩મે ૨૦૨૪ના રોજ તેમને જાણવા મળ્યું હતું કે અજાણ્યા શખ્સોએ ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો છે.
વધુ તપાસ કરતા બહાર આવ્યું હતું કે, કૌશિક સવજીભાઈ વઘાસિયા (રહે. ગિરિરાજ હોમ્સ, નિકોલ રોડ, અમદાવાદ) નામના ભૂમાફિયાએ ખેડૂતની ખોટી સહીઓ કરી બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી નોટરી સમક્ષ પણ નોંધ પડાવી હતી. આ બનાવટી દસ્તાવેજને આધારે તેણે ખેડૂતને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના અન્ય મળતિયા સાથે મળી કાવતરું રચી પોતાની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો અને જમીન પર કૌશિક વઘાસિયાએ પોતાના નામનું બોર્ડ લગાવ્યું હતું. આ દરમિયાન પ્રભુદાસ પટેલે કલેક્ટર અને જમીન તકેદારી સમિતિમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ કરી હતી. તપાસના અંતે કલેક્ટરના હુકમ બાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા કૌશિક સવજીભાઈ વઘાસિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે.

