Paris,તા.22
યુરોપના કેટલાંક ભાગોમાં પડી રહેલી ભીષણ ગરમીનો સામનો કરવા માટે ફ્રાન્સમાં જાહેર સ્થળો પર શરાબ પીવા પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત બહારની 24% ની સ્પર્ધાઓને રદ કરી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ અને સેનાને જંગલની આગ માટે એલર્ટ રાખવામાં આવી છે.
સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં પણ શરાબ ન પીરસવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રવિવારે ફ્રાન્સનો લગભગ એક તૃતિયાંશ ભાગ `હીટ રેડ એલર્ટમાં’ રહ્યો. રાષ્ટ્રીય હવામાન સેવાના અનુસાર પુરા દેશમાં તાપમાન ખૂબ જ વધુ છે.
કેટલાંક વિસ્તારોમાં તાપમાન 40 ડીગ્રી સેલ્સીયસની પાર પહોંચ્યાનું અનુમાન છે. જયારે દેશમાં એરકન્ડીશનીંગનો ઉપયોગ બહુ નથી થતો આજે વધુ ગરમી પડવાનું અનુમાન છે.
અનેક ઉપાય કરાયા
ખતરાને ઘટાડવા માટે અધિકારીઓએ અનેક ઉપાય કર્યા છે. જેમાં એફીલ ટાવર અને પેરિસની અન્ય જગ્યાઓ પર લોકોને ઠંડક આપવા માટે `મીસ્ટીંગ સ્ટેશન’ (ઠંડો ફુવારો છોડતી મશીનો)લગાવવી સામેલ છે.
ડબલ્યુએચઓનાં અનુસાર ગત ચાર વર્ષમાં ગરમી સાથે સંકળાયેલા કારણોથી બે લાખથી વધુ લોકોના મોત થયા છે.તેમાંથી મોટાભાગના મૃત્યુને રોકી શકાય તેમ હતું. ડબલ્યુએચઓએ દેશો અને સંસ્થાઓને `હીટ પ્લાન’ લાગુ કરવાનું કહ્યું છે.જેમ કે કુલીંગ સેન્ટર ખોલવા કે કામ વચ્ચે બ્રેક આપવો કે ફલેકિસબલ શિફટ શરૂ કરવી.
જેથી કર્મચારી બપોરની ભારે ગરમીથી બચી શકે. ખાસ કરીને એ લોકોની ચિંતા છે જે ભીષણ ગરમીમાં રસ્તા પર રહે છે. પોતાના ઘરમાં એકલા રહેતા વડીલોની પણ ચિંતા છે. વર્ષ 2003 માં પડેલી ભીષણ ગરમીથી લગભગ 15000 વડીલોના મૃત્યુ થયા હતા.
સ્કુલ પણ બંધ થઈ શકે છે
સરકારે જણાવ્યું છે કે બપોરે યોજાનારી પરીક્ષાઓને પછીના દિવસે સવારે ટાળી શકાય છે કે પછી તેનો સમય બદલી શકાય છે. વડાપ્રધાન સેબેસ્ટિયન લોકાર્નુએ ગરમીનાં સંકટ પર બેઠક પણ બોલાવી છે.
શરાબ પર પ્રતિબંધ શા માટે?
શરાબ પીવા પર આ પ્રતિબંધો એટલા માટે લગાવવામાં આવ્યા છે જેથી ઈમરજન્સી અને હેલ્થકેર સર્વીસ પર દબાણ ઓછુ થઈ શકે અને મેડીકલ સ્ટાફ લોકો પર ધ્યાન આપી શકે. ગરમીનો સામનો કરવામાં લોકો અને પર્યટકોની મદદ માટે અધિકારીઓએ પાર્ક અને બગીચા 24 કલાક ખુલ્લા રાખવાનો આદેશ અપાયો છે.
યુરોપ અત્યારથી તપવા લાગ્યું
યુરોપમાં આધિકારીક ગરમી 21 જુનથી શરૂ થાય છે. પરંતુ અહીં ગરમી તે પહેલા જ પડવા લાગી હતી. આ વખતે બીજી વાર પશ્ચિમી યુરોપમાં હીટવેવની અસર જોવા મળી છે. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની ત્રણેય દેશો એક સાથે ભીષણ ગરમીની ઝપટમાં છે. વિશેષજ્ઞોનાં અનુસાર આ સપ્તાહ સુધી ગરમીથી રાહત મળવાની ઓછી આશા છે.

