New Delhi,તા.23
વાહનોના પીયુસી સર્ટીફીકેટ જેવા નિયમોમાં મહત્વના ફેરફાર કરવાની સરકારે તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત બીએસ-6 અર્થાત છ વર્ષ જુના વાહનોનાં પીયુસી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. દર વર્ષે પીયુસી કઢાવવાની ઝંઝટ ખત્મ થશે. 6 થી 10 વર્ષ જુના વાહન માટે દર વર્ષે પીયુસી કઢાવવુ પડશે જયારે 10 વર્ષ જુના વાહનો માટે દર છ મહિને પીયુસી ફરજીયાત રહેશે.
કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે બીએસ-6 વાહનો પ્રમાણમાં ઓછુ પ્રદુષણ પેદા કરે છે.એટલે વાહન માલીકો પરનો બોજ હળવો કરવાનાં ઉદેશ સાથે આ ફેરફાર વિચારાધીન છે. જોકે, માર્ચ 2020 પૂર્વેનાં વાહનોમાં દર બે મહિને પીયુસી રિન્યુ કરાવવાનું ફરજીયાત રહેશે.જયારે બીએસ-1 થી બીએસ-3, વાહનોએ દર ત્રણ મહિને પીયુસી રીન્યુ કરાવવા પડશે તેમાં વર્તમાન જોગવાઈ છ મહિનાની છે.
કેન્દ્ર સરકાર `પીયુસી-3′ પ્રોજેકટ શરૂ કરવાની તૈયારીમાં છે અને તેમાં આ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.બીએસ-6 હેઠળના વ્યાપારી વાહનો માટે પીયુસીની મુદત બે વર્ષની રહેશે.જયારે 6 વર્ષથી વધુ જુના વાહનો માટે અન્ય ખાનગી વાહનો જેટલી જ મુદત રહેશે.
સુત્રોના કહેવા પ્રમાણે વાહનોથી થતા પ્રદુષણને લક્ષ્યમાં રાખીને ફેરફાર સુચવાયા છે. જુના વાહનો તરફનું વલણ ઘટાડવાનો પણ ઈરાદો છે.પીયુસીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી રહી છે.
કેન્દ્રનાં પરિવહન વિભાગના પૂર્વ સંયુકત સચીવે આધુનિક ટેકનોલોજી ધરાવતા બીએસ-6 વાહનોને પીયુસીની ઝંઝટ હળવી કરવાની દરખાસ્તને આવકારી છે. નવા વાહનોના મેઈનટેનન્સથી પણ પ્રદુષણ સર્જાયુ હોવા વિશે પણ સરકારે ધ્યાન રાખવુ પડે તેવી ટકોર પણ કરી છે.

