Washington, તા. 23
એલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનાં શેરમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો નોંધાતાં વૈશ્વિક બજારમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. સોમવારે કંપનીનો શેર 16 ટકાના ઘટાડા સાથે 154.60 ડોલર પર બંધ રહ્યો હતો, જે તેના લિસ્ટિંગના પ્રથમ દિવસ પછીનો સૌથી નીચો સ્તર છે.
આ સતત થઈ રહેલાં કડાકાને કારણે માત્ર ત્રણ જ દિવસમાં કંપનીએ પોતાની માર્કેટ વેલ્યૂમાંથી 600 અબજ ડોલર ગુમાવી દીધાં છે. જો કે, આ મોટા ઘટાડા બાદ પણ સ્પેસએક્સ 2 ટ્રિલિયન ડોલરથી વધુની માર્કેટ કેપ સાથે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી કંપની તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહી છે.
કંપનીનાં શેરમાં આવેલાં આ આકસ્મિક ઘટાડા પાછળનું મુખ્ય કારણ સ્પેસએક્સ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સ માટે ફંડ એકઠું કરવાની નવી યોજના છે. કંપની પોતાનાં ઇતિહાસમાં પહેલીવાર ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ બોન્ડ્સ વેચીને બજારમાંથી આશરે 20 અબજ ડોલર જેટલી રકમનું દેવું ઊભું કરવા જઈ રહી છે.
આ સિવાય કંપનીએ તાજેતરમાં જ `રિફ્લેક્શન AI’ નામનાં સ્ટાર્ટઅપ સાથે કમ્પ્યુટિંગ રિસોર્સ પૂરા પાડવાનો મોટો કરાર પણ કર્યો છે. બજારનાં નિષ્ણાતોના મતે, આટલા મોટા પાયે દેવું કરીને એઆઈ ક્ષેત્રમાં આક્રમક રોકાણ કરવાની યોજનાથી ટૂંકા ગાળા માટે રોકાણકારો સાવચેત બન્યાં છે અને પ્રોફિટ બુકિંગ વધી ગયું છે.
આ ભારે વેચવાલી છતાં, સામાન્ય અને નાના રોકાણકારોનો ભરોસો કંપની પર હજુ પણ મજબૂત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આવેલાં રેકોર્ડબે્રક 75 અબજ ડોલરના આઈપીઓ બાદ સ્પેસએક્સનો શેર હાલમાં પણ તેની મૂળ ઇશ્યૂ કિંમત 135 ડોલર કરતાં 15 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
વંડા રિસર્ચના ડેટા અનુસાર, શરૂઆતનાં દિવસોમાં રિટેલ રોકાણકારોએ અમેરિકાની ટોચની સાત ટેક કંપનીઓનાં સંયુક્ત રોકાણ કરતાં પણ વધુ નાણાં એકલા સ્પેસએક્સના શેરમાં ઠાલવ્યા હતાં અને સોમવારના કડાકા દરમિયાન પણ તેઓ બજારમાં ખરીદદાર રહ્યાં હતાં.

