Surendranagar, તા.26
લખતર APMC ચેરમેનની ચૂંટણી રદ કરવામાં આવી છે, જેના કારણે તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગાંધીનગરના નિયામક દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લખતર APMC ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ ભાજપે ખુશાલભાઈ ગાંડાભાઈ પટેલની પસંદગી કરી હતી. જોકે, તેમની સામે વિક્રમસિંહ નાથુભા રાણાએ ફોર્મ ભર્યું અને એક મતે વિજેતા જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો હતો.
ખુશાલભાઈ પટેલે ગાંધીનગર નિયામક સમક્ષ રજૂઆત કરી હતી કે ચૂંટણી દરમિયાન સરકારી પ્રતિનિધિ (વિસ્તરણ અધિકારી) હાજર નહોતા. ઉપરાંત, પંચાયતનો મત વિવાદિત હતો અને ઠરાવ તથા એજન્ડાના કારણે નક્કી કરેલ વ્યક્તિની જગ્યાએ અન્યનું નામ મતદાર તરીકે બદલવામાં આવ્યું હતું, જેના કારણે ચૂંટણી પરિણામ વિપરીત આવ્યું હતું.
આ ગંભીર રજૂઆતને ધ્યાનમાં લઈને નિયામકે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ, નિયામકે પંચાયતના પ્રતિનિધિનો મતદાર બદલવાનો વિવાદિત એજન્ડા અને ઠરાવ તેમજ વિસ્તરણ અધિકારીની ગેરહાજરીને ધ્યાનમાં લીધી.
તપાસના અંતે, નિયામકે 19 જૂનના રોજ યોજાયેલી અઙખઈ ચેરમેનની ચૂંટણીમાં અનિયમિતતા આચરવામાં આવી હોવાનું જણાવી તેને રદ કરી. ચૂંટણી અધિકારીને લેખિતમાં નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કરવામાં આવતા લખતરના રાજકારણમાં ફરીથી હલચલ મચી ગઈ છે.

