(હરેશ ભાલીયા દ્વારા)
Jetpurતા.૩૦
Jetpur અને આસપાસના ધોરાજી પંથકના લાખો મુસાફરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓની સુવિધા માટે અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જેતપુર રેલ્વે સ્ટેશન પર સ્ટોપ ફાળવવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે. આ અંગે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાને એક લેખિત રજૂઆત પત્ર પાઠવીને તાકીદે યોગ્ય આદેશ કરવા વિનંતી કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, અમદાવાદથી વેરાવળ વચ્ચે દોડતી પ્રતિષ્ઠિત વંદે ભારત ટ્રેનનો રૂટ તાજેતરમાં જ રેલ્વે વિભાગ દ્વારા બદલવામાં આવ્યો છે. અગાઉ આ ટ્રેન સુરેન્દ્રનગર, રાજકોટ, નવાગઢ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચતી હતી. જો કે, નવા ફેરફાર બાદ આ ટ્રેન હવે બોટાદ, ઢસા અને જૂનાગઢ થઈને વેરાવળ તરફ જઈ રહી છે. આ નવા રૂટ પર રેલ્વે તંત્ર દ્વારા બોટાદ અને ઢસા જેવા સ્ટેશનોને સ્ટોપ ફાળવવામાં આવ્યા છે, પરંતુ જેતપુર જેવા મહત્વના ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્રને સ્ટોપ આપવામાં આવ્યો નથી, જેને પગલે સ્થાનિક જનતામાં ભારે નિરાશા વ્યાપી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વસંતભાઈ ડી. પટેલ અને સેક્રેટરી હરેશકુમાર સી. ગઢિયાએ પત્રમાં ઉમેર્યું હતું કે, જેતપુર-ધોરાજી પંથકમાં લાખો મુસાફરો વસે છે. જો વંદે ભારત ટ્રેનને જેતપુર સ્ટેશને સ્ટોપ આપવામાં આવે તો આ સમગ્ર વિસ્તારના લોકોને ખૂબ જ ઝડપી, આધુનિક અને સુવિધાજનક રેલ્વે સેવા ઉપલબ્ધ બની શકે તેમ છે. આથી લોકહિતને ધ્યાને રાખીને રેલ્વે મંત્રાલય દ્વારા તાત્કાલિક ધોરણે જેતપુર સ્ટેશન પર સ્ટોપ મંજૂર કરવામાં આવે તેવી નમ્ર અપીલ કરાઈ છે.

