New Delhi, તા.1
દેશમાં ચાલુ રહેલી આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ જૂન માસનું જીએસટી કલેકશન 14 ટકા વધીને રૂા.1.95 લાખ કરોડ નોંધાયું છે. ખાસ કરીને આયાત ડયુટીમાં 34.6 ટકાનો વધારો થયો છે અને તેની કુલ આવક રૂા.60038 કરોડ થયું છે.
જયારે ઘરઆંગણે 6.05 ટકાના વધારા સાથે 1.35 લાખ કરોડનું કલેકશન નોંધાયુ છે. જયારે તેની સામે આ માસમાં 32436 કરોડનું રિફંડ અપાતા જીએસટીનું નેટ કલેકશન રૂા.1.62 લાખ કરોડ થયું છે.
હવે જુલાઈના આંકડા પર નજર રહેશે. ખાસ કરીને ચોમાસાના ચાલના કારણે અર્થતંત્રને કેવો બ્રેક લાગે છે તેના પર સૌની નજર છે. જો કે સરકારે નિકાસ મોરચે જે રીતે તમામ તાકાત લગાવી છે તે જોતા જીએસટી કલેકશનમાં ચિંતા રહેશે નહી.
વાર્ષિક ધોરણે આ કલેકશનમાં થયેલો વધારો પણ નોંધપાત્ર છે. એપ્રિલથી જૂનના ગાળામાં જીએસટી કલેકશન કુલ 8.04 ટકા વધીને 6.32 લાખ કરોડ નોંધાયું છે. જેમાં ઉતરપ્રદેશમાં 19 ટકા જેટલો વધારો, આસામમાં 17 ટકા, પંજાબમાં 14 ટકા અને ગુજરાતમાં 12 ટકાનો કલેકશન વધારો થયો છે. જયારે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયામાં કલેકશન ઘટયું છે.
ઘરમાંથી સોનુ નિકળવા લાગ્યુ : માંગ 70 ટકા ઘટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને જે રીતે સોનાની ખરીદીમાં એક વર્ષ સુધી સંયમ રાખવા અપીલ કરી હતી તેની અસર ધીમે ધીમે દેખાઈ રહી છે અને એક તરફ દેશમાં ઘરેલુ સોનુ બહાર નીકળી રહ્યું છે.
બજારમાં તે રીસાયકલ થઈ રહ્યું છે તેની વચ્ચે આયાત-જકાત વધારાયા બાદ સોનાની માંગમાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાતા સરકાર માટે વિદેશી હુંડીયામણ મેનેજ કરવું વધુ સરળ બની જશે તેવા સંકેત છે.
એક તરફ સોનાના ભાવ જાન્યુઆરીની સ્થિતિએ ઘટવા લાગ્યા છે. નીચા ભાવ છતાં પણ સોનુ જે રીતે માંગ ઘટી છે તેના માટે ચોમાસાની અનિશ્ચિતતા અને હાલ લગ્નગાળાની સીઝન નહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

