Morbi,તા.૭
મોરબી શહેરમાં રહેતા ૪૩ વર્ષીય આધેડને શેરબજારમાં રોકાણ કરી સારો નફો આપવાની લાલચે ૫૦ લાખની રકમ મેળવી આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ગોરધનભાઈ પાંચોટિયા (ઉ.વ.૪૩) નામના આધેડે વ્હોટસએપ નંબર ધારકો અને બેંક એકાઉન્ટ ધારકો સહીત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીના વોટ્સએપ નંબર ૮૪૫૭૮૪૪૫૨૧ અને ૮૪૫૬૮૭૬૨૮૫ પરથી ફરિયાદી ભરતભાઈને લીંક મોકલી હતી અને બંને વોટ્સએપ નંબરની પ્રોફાઈલ ચેક કરતા તેનું નામ પ્રિયંકા કુમારી અને શોયર્મ ગુપ્તા જાણવા મળ્યું હતું બાદમાં બંને નંબર પરથી શેરબજારમાં રોકાણ અંગેની ટીપ્સ મોકલતા હતા
શેરબજારમાં રોકાણ કરવા માટે ASTHA એપ્લીકેશનમાં રોકાણ કરતા હોવાથી એપ્લીકેશનમાં જુદી જુદી કંપનીના નવા IPO શેર લાગ્યા હોવાની વાત કરી હતી જેથી ભરતભાઈએ રોકાણ કર્યું હતું અને IPO ના રૂપિયા પરત લેવા માટે મેસેજ કર્યા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીનું એપ્લીકેશન લોગીન આઈડી લોક કરી દીધું હતું
ગત તા. ૧૪-૦૬-૨૦૨૪ થી તા. ૦૩-૦૭-૨૦૨૪ દરમીયાન શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી ભરતભાઈને વિશ્વાસમાં લઈને આરોપીઓએ અલગ અલગ બેંક ખાતામાં કુલ રૂ ૫૦ લાખ મેળવી લીધા હતા અને બાદમાં રૂપિયા આજદિન સુધી પરત નહિ આપી છેતરપીંડી આચરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને વ્હોટસએપ નંબર અને બેંક એકાઉન્ટ ધારક સહીત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે