Morb તા.૧૧
મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.૧૯૭૭ માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે. આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે.
મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર ૩૬ (છત્રીસ) રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે. સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે એવા જગતજનની માં ઉમિયા માતાજી કેન્દ્રસ્થ હોઈ ઉમા સંસ્કારધામમાં માતાના શિખરબંધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન લજાઈ, મોરબી-રાજકોટ હાઈ વે,ખાતે તારીખ ૧૩/૧૧/૨૦૨૪ થી તા.૧૫/૧૧/૨૦૨૪ આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવેલ છે.